: કરજણ ફાયર વિભાગે બોડી સેન્સર ડિટેક્ટર અને બોટથી હાથ ધરી શોધખોળ
: એકથી દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં સફળતા
શિનોર, — વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગામના તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ ગઈ મોડી રાત્રે ટીંગલોદ ગામના તળાવમાં રાજેશભાઈ પરષોત્તમભાઈ વસાવા (ઉંમર અંદાજે ૫૫ વર્ષ) માછીમારી કરવા ગયા હતા. દરમિયાન અકસ્માતે તેઓ તળાવમાં ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બોડી સેન્સર ડિટેક્ટર તેમજ બોટની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
લગભગ એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનો દ્વારા પણ ફાયર વિભાગને નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.
રિપોર્ટર: અમિત સોની