સયાજીબાગના 100 જેટલા કર્મચારીઓનો આક્રોશ; માનવ મહેતા અને પ્રત્યુષ પાટણકર દ્વારા હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત પ્રસિદ્ધ સયાજીબાગ માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓએ આજે પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. કર્મચારીઓએ ઝૂ ક્યુરેટર અને એજ્યુકેશન ઓફિસર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને નિયમોના અમલીકરણમાં પક્ષપાત રાખવામાં આવે છે.
સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર, ઝૂ એજ્યુકેશન ઓફિસર માનવ મહેતા અને ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર દ્વારા તેમના પર બિનજરૂરી દબાણ કરવામાં આવે છે. કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે જો કોઈ કર્મચારી સવારે ફરજ પર માત્ર 5 થી 10 મિનિટ પણ મોડો પહોંચે, તો તેની પાસે તાત્કાલિક ‘માફી પત્રક’ લખાવવામાં આવે છે. એટલું જ નહીં, રવિવારની રજા હોય કે 15મી ઓગસ્ટ જેવી જાહેર રજા, જો કોઈ કર્મચારી અંગત કામસર રજા માંગે તો તેની પાસે પણ માફી પત્રકની માંગણી કરવામાં આવે છે.
કર્મચારી એ આક્ષેપો કરતા કહ્યું કે, “અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને અંગ્રેજો જેવું શાસન કરી રહ્યા છે. જે કર્મચારીઓ અધિકારીઓના માનીતા કે ‘લાડકવાયા’ છે, તેઓ મોડા આવે તો પણ તેમને કંઈ કહેવામાં આવતું નથી. જ્યારે પ્રામાણિકપણે કામ કરતા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાય છે. નિયમો બધા માટે સમાન હોવા જોઈએ.”
આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો તેમની હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે અને નિયમોમાં સમાનતા નહીં જાળવવામાં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.
આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે ઝૂ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે પાલિકા તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કે શું ખરેખર પાલિકાના અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી નાના કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે?