ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ તાલુકાના ઝાલોદ–સુખસર માર્ગ પર આવેલા રાજપુર વળાંક પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર નરેગા વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 39 વર્ષીય જતીનભાઈ મછારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, બાઇક નં. GJ-06-FH-5863 લઈને જતીનભાઈ ઝાલોદથી સુખસર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપુર વળાંક પાસે સામસામે આવતા અજાણ્યા વાહન સાથે જોરદાર ટક્કર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જતીનભાઈને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલ તથા પી.આઈ. રવિ ગામીતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

નરેગા વિભાગના કર્મચારીના અચાનક અવસાનથી ઝાલોદ અને આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ