Zalod

ઝાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં કાયદાની એસી તૈસી કરી કોમન પાર્કિંગના એરિયામાં દુકાનોનું બાંધકામ

ચીફ ઓફિસરે આ મામલે આખરી નોટિસ આપી દિન-૩ માં બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો અત્રેની કચેરીએ તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું

ઝાલોદ : સુંદરમ હોસ્પિટલની બાજુમાં બાંધકામની મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરી કાયદાની એસી તૈસી કરી મનસ્વી રીતે કોમન પાર્કિંગના એરિયામાં દુકાનોનું બાંધકામ કરી, આ મામલે ઝાલોદ પાલિકા ચીફ ઓફિસરે આપેલી નોટિસનો કોઈ પ્રત્યુતર ન આપી નોટિસની એઐસીતૈસી કરતા ચીફ ઓફિસરે આ મામલે આખરી નોટિસ આપી દિન-૩ માં બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો અત્રેની કચેરીએ તાત્કાલિક રજૂ કરવા જણાવતા ઝાલોદ નગરમાં આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.



ઝાલોદ નગરમાં કેટલાક લોકો દ્વારા કેટલીક જગ્યાએ કાયદાની ઐસી તૈસી કરી બાંધકામની પરવાનગી મુજબ બાંધકામ કરવાના બદલે મનસ્વી રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોવાની વ્યાપક ચર્ચાઓ વચ્ચે ઝાલોદ નગરનાં દાહોદ રોડ પર સુંદરમ હોસ્પિટલની બાજુમાં આવેલ સીટી સર્વે નંબર ૩૨૮૮ માં રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે ઝાલોદ નગરના રામચંદ્ર ચુનીલાલ પ્રજાપતિ દ્વારા બાંધકામની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ પ્લાનમાં ૪૩૨.૮૩ ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન પાર્કિંગ એરિયા બતાવવામાં આવેલ છે. પરંતુ બાંધકામની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલા પ્લાન મુજબ બાંધકામ ન થયું હોવાનું જાણવા મળતા, ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી ખાતરી કરતા રામચંદ્ર ચુનીલાલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં કોઈપણ પ્રકારનો પાર્કિંગ એરિયા હોય તેવું જણાતું ન હોઈ તેઓએ બાંધકામની મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તેવું જણાઈ આવતા તે સંદર્ભે તારીખ ૨૫-૩-૨૦૨૫ ના રોજ ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે ઝાલોદના રામચંદ્ર ચુનીલાલ પ્રજાપતિને નોટિસ પાઠવી જાણ કરી બાંધકામની પરમિશનના જરૂરી દસ્તાવેજ લઈ અત્રેની કચેરીએ પૂર્તતા કરવા જણાવ્યું હતું. પરંતુ રામચંદ્ર ચુનીલાલ પ્રજાપતિએ આજ દિન સુધી ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ નોટિસનો ખુલાસો કર્યો નથી. જે ઘણી ગંભીર બાબત છે. તે માટે વધુમાં ઉપરોક્ત રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે બાંધકામ માં અત્રેની કચેરીના તથા અન્ય કોઈ બાંધકામ પરવાનગી લેવામાં આવેલ હોય તો તે બાંધકામ પરવાનગીના સાધનિક કાગળો દિન-૩ માં તાત્કાલિક રજૂ કરવા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તારીખ ૨-૫-૨૦૨૫ ના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૫૫ ની જોગવાઈ અનુસાર આખરી નોટિસ આપવામાં આવી છે.જો તેમ કરવામાં કસુર કરશો તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૫૫ ની જોગવાઈ અનુસાર આ ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ તોડી પાડવા માટેનો ખર્ચ તમારા શિરે રહેશે. અને આ બાબતે કોઈ નુકસાની અથવા કોઈ પણ જવાબદારી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. તેમ નોટિસમાં જણાવાયું છે. ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ આખરી નોટિસના પગલે ઝાલોદ નગરમાં આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે.

Most Popular

To Top