મુવાડા મુકામે ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઈસમ દ્વારા ચોરાઈ
સી.સી.ટી.વી ફૂટેજ સામે આવ્યું, પોલીસ તપાસમાં વ્યસ્ત
ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રાત્રી દરમ્યાન બાઇક ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે. શિવમ પેટ્રોલ પંપ નજીક રહેતા પ્રવીણભાઈ દેવસીંગભાઈ સરાણીયાની ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા ઈસમ દ્વારા ચોરી લેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રવીણભાઈ સરાણિયાએ પોતાની બાઇક નંબર GJ-20-BH-4237 રાત્રી સમયે ઘર આગળ લોક મારી તેમજ કવર ચઢાવી પાર્ક કરી હતી. છતાં પણ રાત્રી દરમ્યાન અજાણ્યો ચોર બાઇક લઈ ફરાર થયો હતો. વહેલી સવારે ઉઠી જોતા બાઇક નજરે ન પડતા તેમણે આસપાસ વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બાઇક ન મળતાં અંતે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરી અંગે લેખિત અરજી નોંધાવી હતી.
બાઇક ચોરીની ઘટના સી.સી.ટી.વીમાં કેદ

બાઇક ચોરી કરતી વખતે એક અજાણ્યો ઈસમ બાઇક લઈ જતા હોય તેવા દ્રશ્યો નજીકના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ફૂટેજ હાલ નગરમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેને લઈ સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે.
પોલીસ દ્વારા તપાસ શરૂ
ઝાલોદ પોલીસ દ્વારા મળેલી લેખિત અરજીના આધારે વિસ્તારમાં લાગેલા અન્ય સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. બાઇક ચોરી કરનાર ઈસમની ઓળખ કરી તેને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.
નગરજનોમાં ચોરીની ઘટનાઓ અંગે ચિંતા
આ ઘટનાને પગલે ઝાલોદ નગરમાં રાત્રી દરમ્યાન વાહન ચોરીની ઘટનાઓ વધતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. નગરજનોએ પોલીસ તંત્રને વધુ રાત્રી પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.