ઝાલોદ: ઝાલોદ નગરનાં કોળીવાડા વિસ્તારમાં મોડી રાત્રે એક આગની ઘટના સામે આવી હતી. અંબર ચરખા કેન્દ્રની પાછળની ખુલી જગ્યામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આસપાસના રહેવાસીઓએ આગની જ્વાળાઓ અને ધુમાડો જોતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.. ટીમે પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં જ આગને કાબૂમાં લીધી. આગ ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલામાં લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, બેદરકારીથી ફેંકાયેલી સળગતી વસ્તુ આગનું કારણ હોઈ શકે છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા લોકોને ખુલી જગ્યાઓમાં કચરો ન ફેંકવા અને આગથી સાવચેત રહેવા અપીલ કરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. સ્થાનિક રહેવાસીઓએ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની આવશ્યકતા ઉજાગર કરી હતી.
