રાજસ્થાન પોલીસે આંતરરાજય બનાવટી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો, 10 ની ધરપકડ
ઝાલોદ તેમજ સંજેલીમાંથી બે ઇસમો રાઉન્ડ અપ કરાયા, દાહોદથી બે પ્રિન્ટર તેમજ લેપટોપ કબજે લેવાયો
દાહોદ તા.૦૪
રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલીયા, કમલેશ તંબોલીયા સહિત 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં પકડાયેલા મુખ્ય સૂત્રધારે રાજસ્થાનના બાસવાડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી ઝાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યું હતું. દાહોદ ખાતે ભાડાના મકાનમાં 100, 200 અને 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસે આ રેકેટમાં 1.39 લાખની બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દા માલ રિકવર કર્યો છે. એટલું જ નહીં પોલીસે ઝાલોદના પેથાપુરના એક વ્યક્તિ તેમાં સંજેલીના ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઈસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવટી ચલણી નોટોનું રેકેટ રાજસ્થાનના બાસવાડા તેમજ દાહોદ, ઝાલોદ તેમજ સંજેલી સુધી વિસ્તરેલુ હતું. ઉપરોક્ત પકડાયેલા આરોપીઓએ બાસવાડા સિવાય દાહોદમાં કેટલી બનાવટી ચલણી નોટો માર્કેટમાં ઉતારી છે તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે. ઉપરોક્ત ઇસમોએ બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી હતી પરંતુ તે યોગ્ય રીતે પ્રિન્ટ ન થતા સમગ્ર રેકેટની પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના 10 તેમજ દાહોદ જિલ્લાના બે ઈસમોની ધરપકડ કરી છે.
*સુખારામ-કમલેશ દાહોદમાં સબંધી પાસેથી નકલી નોટ બનાવવાનું શીખ્યા હતાં.*
નકલી નોટોના પ્રકરણમાં ઝડપાયેલો સુખરામ તંબોલિયા કે જે રાજસ્થાન ખૂંટાગવલીયા ગામનો રહેવાસી છે, તેના જણાવ્યા અનુસાર તેને નકલી નોટો બનાવવાનું કામ દાહોદના કોઈ સંબંધી પાસેથી શીખ્યું હતું.સુખરામ એ તેની સાથે કમલેશને પણ દાહોદ થી જ નકલી નોટો કઈ રીતે બનાવવા તેનો માર્ગદર્શન પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું છે. ત્યારે દાહોદ ખાતે સુખરામ અને કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડનાર કોણ એ પણ તપાસનો વિષય છે.
પ્રિન્ટર તેમજ લેપટોપ રાજસ્થાન પોલીસે દાહોદના મકાનમાંથી રિકવર કર્યા
દાહોદ ખાતે જ એક ભાડાનું મકાન લઈ ભાડાની રૂમમાં નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હોવાનું રાજસ્થાન પોલીસની
તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં રાજસ્થાન પોલીસે પ્રિન્ટર નોટોના કાગળ સહિતની અન્ય સામગ્રી દાહોદ ખાતેના એ ભાડાના રૂમમાંથી રિકવર કરી હોવાનું ઉલ્લેખ કર્યો છે. ત્યારે દાહોદમાં એ મકાન ભાડે આપ્યું હતું અને ભાડે રાખનાર ઇસમ કોણ તે પણ માત્ર રાજસ્થાન પોલીસ નહીં પરંતુ દાહોદ પોલીસ માટે પણ તપાસનો વિષય બનશે ત્યારે આ નકલી નોટો ના રેકેટ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરાય તે ઇચ્છનીય છે.
નકલી નોટોનું રેકેટ દાહોદ સુધી ફેલાયુ, ઝાલોદ સંજેલીમાં રાજસ્થાન પોલીસની કાર્યવાહી
રાજસ્થાન પોલીસે ઝડપી પાડેલા નકલી નોટો છાપવાના આ રેકેટને અને તેમાં સંડોવાયેલા ઈસમોને દાહોદમાંથી ઝડપી પાડ્યા છે.સંજેલી તેમજ ઝાલોદના પેથાપુરના એક ઈસમને પણ ઝડપી પાડયો છે. ત્યારે આ બનાવ અંગે રાજસ્થાન પોલીસે દાહોદ પોલીસને જાણ કરી હતી કે સમગ્ર ઓપરેશન બારોબાર પાડી અને આ રેકેટને ઝડપી પાડ્યું છે . તો જો દાહોદમાં આવું નકલી નોટો છાપવાનું રેકેટ ચાલતું હોય તો દાહોદ પોલીસની નજરમાંથી આ ગુનાહિત પ્રવૃત્તિ શા માટે ધ્યાને ન આવી? જોકે દાહોદ પોલીસે અગાઉ ઝડપેલા રેકેટમ સંડોવાયેલા લોકો જ પુનઃ સક્રિય થયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાય તે ઇચ્છનીય છે ત્યારે દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા સરહદી વિસ્તારનું આ નકલી નોટો છાપવાનું રેકેટ ક્યાં સુધી વિસ્તર્યું છે તે ત્રણેય રાજ્યની પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરવી જોઈએ.
*પકડાયેલા દસ આરોપી
(1) સુનિલ ખીડૂરી આનંદપુરી
(2) રમેશ જાલિયા નીનામા ખૂંટા ગળનીયા
(3) વારજી થાવરા ડોડીયાર બોરપાડા
(4) રમેશ ગૌતમ ચારેલ અંબાપુરા
(5) જયંતિ ગવજી બારીયા કુંડા
આનંદપરી
(6) કમલેશ બાબુ તંબોલીયા ખૂંટા ગળનીયા
(7) નરબુ બાબુ હાંડા કલિંજરા
(8) સુખરામ તંબોલીયા ખૂંટા ગળનીયા
(9) મહેશ કટારા ધૂળિયા ગઢ
(10) નરસિંહ મહિડા બોરપાડા
