સોમનાથ મહાદેવ મંદિરમાંથી ચાંદીનું છત્ર અને રોકડ લઈ ને ભાગેલા ચોરોનો પોલીસે પીછો કર્યો
રાતે 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પકડદાવ ચાલ્યો, મધ્યપ્રદેશથી આવેલા ચાર પૈકી 2 તસ્કર ઝડપાયા
દાહોદ:
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમા સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ રોકડા રૂપિયા ૧૫૦૦ મળી કુલ રૂા.૪૫૦૦ની મતાની ચોરી કરી નાસી ગયાં હતાં. ત્યારે ચોરીની ઘટનાને પગલે આસપાસના લોકો જાગી જતાં અને આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તસ્કરોનો પીછો કર્યાે હતો. ત્યારે તસ્કરોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસને હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.
ગતરોજ રાત્રીના બે વાગ્યાના આસપાસ ઝાલોદ નગરમાં સોમનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. ત્યારે મંદિરમાં ચોરો આવ્યાં હોવાનું આસપાસના લોકોને જાણવા મળતાં લોકોએ સ્થાનીક પોલીસને જાણ કરતાં સ્થાનીક પોલીસનો કાફલો તેમજ સ્થાનીક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયાં હતાં. તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપી નજીકના ખેતરમાંથી ભાગ્યાં હતાં. ત્યારે ખેતરોમાં ઢીંચણ સમા પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોરો પાછળ પોલિસ દોડી હતી. ત્યારે તસ્કરોએ પથ્થરમારો કર્યાે હતો. જેના જબાવમાં પોલીસને હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. અંદાજીત રાત્રીના બે વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ચોરોને પકડવાનુ ઓપરેશન ચાલ્યું હતું. જાણવા મળ્યા મુજબ ૪ ચોરો ચોરી કરવા આવેલા હતા તેમાંથી બે ચોરોને પકડવામાં પોલિસને સફળતા મળી છે. ચોરો મધ્યપ્રદેશ બાજુના હોવાનું જાણવા મળે છે. ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી પટેલની આગેવાનીમા પોલિસ સ્ટાફે સિંઘમની ભૂમિકા બજાવી હતી.
આ સંબંધે પરેશભાઈ જયંતિલાલ જાેષીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————