ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી
પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે કથા આયોજનની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ
ગુજરાત મિત્ર ન્યુઝ | ઝાલોદ
ઝાલોદ નગરની પવિત્ર ધરા પર આવનાર દિવસોમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી સભર થનારી શ્રીમદ ભાગવત કથાને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ અનુસંધાને ઝાલોદના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે કથા આયોજનની વિવિધ વ્યવસ્થાઓ અંગે એક મહત્વપૂર્ણ પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઝાલોદ નગરના વિવિધ સમાજોના આગેવાનો, આયોજક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી હતી. બેઠક દરમિયાન કથા આયોજનને સફળ બનાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
25 થી 31 ડિસેમ્બર સુધી “દ્વારિકા ધામ”માં ભાગવત કથા

આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા ઝાલોદ નગરની પવિત્ર ધરા પર પધારી ભાવિક ભક્તોને ભાગવત જ્ઞાનરૂપિ અમૃતરસ પીરસશે.
કથા મંડપને ભાવસભર નામ “દ્વારિકા ધામ” આપવામાં આવ્યું છે, જે સમગ્ર આયોજનમાં ભક્તિભાવને વધુ ઉન્નત બનાવશે.
12થી 15 હજાર ભાવિકો માટે વિશાળ આયોજન, કમિટીઓની રચના

આ ભાગવત કથામાં એક સાથે 12,000 થી 15,000 ભાવિક ભક્તો બેસી શકે તેવી વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા આયોજક મંડળ દ્વારા કરવામાં આવી છે. બહારથી આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે આયોજનમાં તમામ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમીક્ષા બેઠકમાં અલગ-અલગ કમિટીઓની રચના કરી નીચે મુજબની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી—
બેસવાની વ્યવસ્થા, વાહન પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, સંતો તથા ભાવિકોના ઉતારા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા અને રોજિંદી સફાઈ, કથા મંડપ સુધી પહોંચવાની વ્યવસ્થા, પૂજા-અર્ચના, ભોજન તથા પ્રસાદી વ્યવસ્થા.

સ્વેચ્છાએ સેવા આપવા તૈયાર ભાવિક ભક્તોના નામ નોંધાવી તેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી સમગ્ર આયોજન સુચારુ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય.
બહારથી આવનાર ભાવિક ભક્તો સરળતાથી કથા સ્થળે પહોંચી શકે તે માટે QR કોડ આધારિત માર્ગદર્શન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કથામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ભવ્ય ધાર્મિક આયોજનના પરિણામે આવનાર દિવસોમાં ઝાલોદ નગર ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બનશે, તેમ આયોજક મંડળે જણાવ્યું હતું. તમામ ભાવિક ભક્તોને પરિવાર સાથે આવીને આ દિવ્ય શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
અહેવાલ: દક્ષેશ ચૌહાણ