Garbada

ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર

નવા લગ્ન બંધારણના અમલ માટે ગામ પંચની મહત્વપૂર્ણ સભા યોજાઈ
આડંબર અને ખોટા ખર્ચા પર અંકુશ લાવી આદર્શ ગામ બનવાનો સંકલ્પ
ગરબાડા:;ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામ ખાતે ભીલ સમાજ પંચ, ગરબાડા દ્વારા જાહેર કરાયેલ નવા લગ્ન બંધારણના અમલ માટે ગામ પંચની મહત્વપૂર્ણ સભા યોજાઈ હતી. સમાજમાં વધતા આડંબર અને બિનજરૂરી ખર્ચાને અટકાવવા તથા સરળ અને સંયમિત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા આ બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી, ભીલ સમાજ પંચ/ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઈ મખોડિયા, તાલુકા સભ્ય નરેશભાઈ માવી, પૂર્વ તાલુકા સભ્ય ગોરધનભાઈ ગણાવા સહિત પટેલ, પુજારા, તડવી તેમજ ભીલ સમાજ પંચ ઝરીબુઝર્ગના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ચાલુ વર્ષથી જ લગ્ન પ્રસંગોમાં થતો ખોટો અને આડંબર ભર્યો ખર્ચ ઘટાડવામાં આવશે અને મર્યાદિત ખર્ચ સાથે લગ્ન આયોજન કરવામાં આવશે. નવા લગ્ન બંધારણનું એકસૂત્રે અમલીકરણ કરી ઝરીબુઝર્ગ ગામને આદર્શ ગામ તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ લેવાયો હતો.
નિયમો ભંગ કરનાર સામે કડક વલણ
સભામાં આ પણ નક્કી કરવામાં આવ્યું કે અન્ય ગામોમાંથી જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર કરી પરત મોકલવામાં આવશે. જો તેમ છતાં નિયમોનું પાલન ન થાય તો દહેજ પ્રતિબંધક અધિકારીને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિંમતભાઈ મુનિયા દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વનરાજ ભુરીયા

Most Popular

To Top