બિનસુરક્ષિત કૂવો બન્યો જીવલેણ
ગરબાડા:
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના આંબલી ફળિયામાં બનેલી હૃદયવિદારક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. બિનસુરક્ષિત ખુલ્લા કૂવામાં પડવાથી ભાઈ–બહેનના કરુણ મોત થતા ગામમાં માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આંબલી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ગણાવાના બે માસૂમ સંતાનો — ૩ વર્ષીય આરાધના ગણાવા અને ૫ વર્ષીય રોનક ગણાવા — ગતરોજ સાંજના સમયે અચાનક ગુમ થઈ ગયા હતા. બાળકો દેખાયા નહીં જેથી પરિવારજનો દ્વારા આસપાસના ખેતરો, પડોશ અને સમગ્ર ફળિયામાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છતાં કોઈ પત્તો ન લાગતા અંતે ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પરિવારના રહેઠાણ પાછળ આવેલા ખેતરો પાસેના ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવામાં ૩ વર્ષીય આરાધનાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશ બહાર કાઢી કાર્યવાહી શરૂ કરી હતી.
ત્યારબાદ કૂવામાં મશીન દ્વારા પાણી કાઢી સઘન તપાસ કરવામાં આવતા ૫ વર્ષીય રોનકનો મૃતદેહ પણ કૂવામાંથી મળી આવ્યો હતો. આ કરુણ દૃશ્ય જોઈ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને પરિવાર પર જાણે આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નવાફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિનસુરક્ષિત કૂવાઓ સામે ફરી સવાલ
આ ઘટનાએ ફરી એક વખત ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવા કૂવાઓ પર સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે માસૂમ જીવ ગુમાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે આવા કૂવાઓને તાત્કાલિક ઢાંકવા અને સુરક્ષિત કરવા માંગ ઉઠી છે.
રિપોર્ટર: વનરાજ ભુરીયા