Vadodara

જ્યાં મેયર વસે, ત્યાં જ પાણી વહે, જનતાના ટેક્સના પૈસા અને પીવાનું પાણી બંને ગટરમાં

વડોદરા પાલિકાની ગંભીર લાલીયાવાડી, વાલ્વ ખુલ્લો કે તંત્રની આંખો બંધ

એક બાજુ ટેન્કર રાજ, બીજી બાજુ લાખો લિટર પાણીનો સત્યાનાશ, પ્રજા પાણી માટે ટીપે-ટીપે તરસતી રહી અને પાલિકા પાણી ગટરમાં વહાવતી રહી

(પ્રતિનિધિ), વડોદરા. તા.26

વડોદરાની જનતા માટે ઉનાળો એટલે પીડાની શરૂઆત. એક તરફ સૂર્યદેવતા આકરા બની રહ્યા છે અને વડોદરાના માર્ગો પર પીવાના પાણી માટે મહિલાઓના મોરચા નીકળી રહ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 4 રામદેવનગર – 1 માં જે દ્રશ્યો જોવા મળ્યા તે પાલિકાની ઘોર નિદ્રા અને ગુનાહિત બેદરકારીનો પુરાવો છે. હજારો લિટર શુદ્ધ, પીવાલાયક પાણી રસ્તાઓ પર વહીને ગટરમાં મળી રહ્યું છે, કારણ ? માત્ર એક વાલ્વ બંધ કરવાની આળસ. આ વિરોધાભાસ તો જુઓ. જે વિસ્તારમાંથી વડોદરાના મેયર પ્રતિનિધિત્વ કરે છે, જે વિસ્તાર આખા શહેર માટે આદર્શ હોવો જોઈએ, ત્યાં જ પાલિકાની ‘લાલીયાવાડી’ ચરમસીમાએ છે. શું મેયર સાહેબના વિસ્તારમાં અધિકારીઓને શિસ્તના પાઠ ભણાવવામાં નથી આવ્યા ? શું સત્તાના નશામાં તંત્ર એટલું બહેરું થઈ ગયું છે કે તેને રસ્તા પર વહેતું પાણી દેખાતું નથી ? શહેરની અનેક સોસાયટીઓમાં આજે સ્થિતિ એવી છે કે, લોકોને મોંઘા ભાવના પ્રાઈવેટ ટેન્કરો મંગાવવા પડે છે. વહેલી સવારે પાણીના ઓછા પ્રેશરને કારણે લોકો હેરાન-પરેશાન થાય છે. અનેક મધ્યમવર્ગીય પરિવારો અડધી ડોલ પાણી માટે પણ તરશે છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે, પાલિકાના કર્મચારીઓની એક નાનકડી ‘ભૂલ’ (જે વાસ્તવમાં ગંભીર બેદરકારી છે) હજારો પરિવારોનું પાણી ગટરમાં વહાવી દે છે. આ માત્ર પાણીનો બગાડ નથી, આ વડોદરાના કરદાતાઓના પૈસાનો બગાડ છે, આ પ્રજાના વિશ્વાસનો બગાડ છે.

  • તંત્ર સામે આકાર સવાલો :-
  • જવાબદારી કોની ? વાલ્વ ખુલ્લો રાખનાર લાઈનમેન સામે કે તેને ઓર્ડર આપનાર સુપરવાઈઝર સામે આજ દિન સુધી શું કાર્યવાહી થઈ ?
  • બેદરકારી કે મિલીભગત ? શું જાણીજોઈને પાણી વેડફવામાં આવે છે જેથી ટેન્કર માફિયાઓને ફાયદો થાય ?
  • ડિજિટલ વડોદરા ક્યાં છે ? સ્માર્ટ સિટીના દાવા કરતું તંત્ર એક વાલ્વની સ્થિતિ જાણવા માટે પણ સક્ષમ નથી ?

વડોદરા પાલિકાએ સમજી લેવાની જરૂર છે કે જનતા હવે મૂંગી બહેરી નથી. ઉનાળાની શરૂઆતમાં જ જો આવી હાલત હોય, તો ભર ઉનાળે વડોદરાની જનતાની તરસ કોણ છિપાવશે ? જો મેયરના પોતાના વોર્ડમાં જ અધિકારીઓ આટલા બેદરકાર હોય, તો સામાન્ય નાગરિકોની ફરિયાદ તો કચરાપેટીમાં જ જતી હશે ને ? અમે માગણી કરીએ છીએ, આ ઘટનાની તટસ્થ તપાસ થાય અને જવાબદારોના પગારમાંથી આ વેડફાયેલા પાણીની કિંમત વસૂલવામાં આવે. પાણી એ જીવન છે, અને વડોદરા પાલિકા જીવન સાથે ખેલ કરવાનું બંધ કરે.

Most Popular

To Top