રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજના આજ્ઞાનુવર્તી મહાસતીજીવ્રંદના સાંનિધ્યમાં આયોજિત નવ દિવસીય તપ, જ્ઞાન અને સંસ્કારનો મહોત્સવ

વડોદરા શહેરના પાવનધામ ખાતે 4 એપ્રિલથી શરૂ થયેલું આયંબિલ ઓળી પર્વ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજી તથા પૂજ્ય પરમ અનન્યાજી મહાસતીજીના સાથે ઠાણા-4ના સંતોના પાવન સાથમાં આ પર્વનું શાસ્ત્રોક્ત આયોજન થયું છે. આ નવ દિવસીય પર્વ દરમ્યાન ભાવિકોને નિષ્ઠાપૂર્વક તપ કરવા, જ્ઞાન મેળવવા અને સંસ્કારોથી ભજનમય જીવન જીવવાનો અવસર મળ્યો છે. કોઈપણ પ્રકારના રસાહાર, ફળ કે શાકભાજી વગરનું તપ એટલે આયંબિલ, જે જૈન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે.
દરરોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન આયોજિત જ્ઞાનવર્ધક ક્વિઝ ભાવિકોમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવ જાગૃત કરે છે. રસપ્રદ ઈનામો દ્વારા વિજેતાઓનું પ્રોત્સાહન કરવામાં આવે છે. સાંજના 8:15 થી 9:15 દરમિયાન યોજાતી પ્રવચનમાળાઓમાં પૂજ્ય અનન્યાજી મહાસતીજી અને શુભમજી મહાસતીજીએ “When Your Heart Claps” જેવા વિષય પર ઉમદા વિચારો રજૂ કરી, આંતરિક શાંતિ અને પોઝિટિવિટીનું મહત્વ સમજાવ્યું. વિશેષ આકર્ષણ તરીકે 6 એપ્રિલના રોજ શહેરના કોપોરેટર નીતિનભાઈ દોંગાના હસ્તે “Look & Learn Karma Cafe” નામની અનોખી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન થયું, જેમાં જૈન દર્શન અને તપની કલાત્મક રજૂઆત કરવામાં આવી છે. એજ અવસરે 45 સફાઈ કર્મચારીઓને અન્નદાન રૂપે ગ્રોસરી કિટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા. 10 એપ્રિલના દિવસે યોજાનાર “Young Yogis” કાર્યક્રમમાં 5 થી 15 વર્ષના બાળકો માટે રોચક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર અને જ્ઞાનનો મીલન કરાવશે.
