Vadodara

જેતલપુર રોડ પર જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા, કોઈ જાનહાનિ નહીં

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરાના જેતલપુર રોડ પર આવેલી ડાયમોરિવો જ્વેલર્સની દુકાનમાં આજ રોજ અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધોળા દિવસે લાગેલી આ આગને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગે પળવારનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતલપુર રોડ પર આવેલી ડાયમોરિવો જ્વેલરી શોપમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દુકાનની અંદર કિંમતી ફર્નિચર અને અન્ય સામાન લપેટમાં આવી ગયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો અને દુકાનના કર્મચારીઓએ તાત્કાલિક બહાર દોડી આવી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની ગંભીરતાને જોતા વડોદરા ફાયર વિભાગની ટીમ અત્યાધુનિક સાધનો અને ફાયર ટેન્ડરો સાથે ઘટના સ્થળે ધસી આવી હતી. ફાયર ફાઈટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી હતી. જેતલપુર રોડ પર ગીચતા હોવા છતાં ફાયર ટીમે અત્યંત કુશળતાપૂર્વક કામગીરી કરી હતી, જેના કારણે આસપાસની અન્ય દુકાનો કે ઉપરના માળે આગ ફેલાતી અટકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જોકે, જ્વેલર્સની દુકાનમાં રહેલા ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ અને અન્ય સાધન-સામગ્રીને વ્યાપક નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top