વડોદરામાં આવેલ પૂર હવે ધીમે ધીમે રાજકારણનું એક મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું જણાઈ આવે છે. દરેક ચૂંટણીઓમાં ખોબલેને ખોબલે ભાજપને મત આપતા વડોદરાવાસીઓને સરકાર અને તંત્રની બેદરકારીના કારણે પૂર જેવી આફત સામે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ સત્તાધારી પક્ષને પાડવાના પ્રયાસોમાં લાગી છે.
જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એવું જણાવ્યું હતું કે, વડોદરામાં પૂરના કારણે ન ભરી શકાય એટલું નુકસાન થયું છે. સરકાર સર્જિત આ પૂરના કારણે લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. વારંવાર પૂર આવે અને તબાહી થાય, જાનહાની થાય, લોકોને મોટું નુકસાન થાય છે.
કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણના કારણે વારંવાર પૂર આવે છે. ભાજપ સાથે જોડાયેલ લોકોના ગ્રીન બેલ્ટની જગ્યાને બદલી અર્બન ઝોન કરી. ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજાનો બંગલો પણ ગેરકાયદેસર છે. આ સાથે જ વરસાદી કાસ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. અગોરા મોલ તેમજ બાલાજી અને દર્શનમ્ જેવી સાઈટોએ પણ મોટું દબાણ કર્યું છે. અધિકારીઓ સાથે મળી મોટા પ્રમાણમાં બાંધકામ થયા છે. આ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી તમામ જગ્યાને ફરી ગ્રીન ઝોન કરવાની અમે માંગ કરીએ છીએ. ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અને વડોદરાના નાગરિકો આ સામે લડવા માગતા હોય તો કોંગ્રેસની લીગલ ટીમ લડાઈ લડશે. અગોરા મોલ માટે પણ અમે લડત લડતા હતા. અમે વિરોધ પક્ષ તરીકે દરેક મુદ્દા ઉઠાવ્યા છે. તંત્ર દ્વારા પ્રજાના પૈસાના વ્યય માટે પણ અમે લડીશું.
પૂર બાદ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે અપેક્ષા હતી કે કઈ મોટી જાહેરાત થશે પણ એવું કંઈ જ નથી મળ્યું. સરકારની કેશ ડોલની જાહેરાત મજાક સમાન બની છે. પૂર જેવી આપત્તિના સમયે 13 જેટલા લોકોના મોત બાદ પરિવારને સહાયતા માટે પણ સરકાર કંઈ બોલી નથી. મોટા ભાગના દુકાનો, મકાનોમાં ફર્નિચરને નુકસાન થયું છે. તેમજ મોટા પ્રમાણમાં વાહનોને પણ નુકસાન થયું છે. રૂપિયા 2500ની સહાય સામે કોંગ્રેસની માંગ છે કે 1રૂપિયા 10,000 સહાય આપવામાં આવે. જયારે મૃતકના પરિવારોને 25 લાખની સહાય આપવામાં આવે. વડોદરા મહાનગર પાલિકાની પ્રીમોનસુન કામગીરી ક્યાંય દેખાતી નથી. અમે પૂરની પરિસ્થિતિ પાછળ તમામ કારણો જોયા છે. હવે આગળ અમે વડોદરામાંથી અનુભવી લોકો પાસે જઈ વડોદરા ફરી ક્યારેય ન ડૂબે એનો અભ્યાસ કરીશું. સાથે જ જેનો જેનો વડોદરા ને ડૂબાડવા માં હાથ છે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.