ભરતી પ્રકિયા બંધ રાખી દોષિતો વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવાની માંગણી
ગુજરાત એનર્જી એમ્પ્લોઈસ ટેક્નિકલ એસોસિએશન દ્વારા જીયુવીએનએલના એમડીને રજૂઆત
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
જેટકો દ્વારા ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચાર થવાના કારણે ભરતી પ્રકિયા બંધ રાખવા તેમજ દોષિત અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવાની માંગણી સાથે ગુજરાત એનર્જી એમ્પ્લોઈસ ટેક્નિકલ એસોસિએશન દ્વારા જીયુવીએનએલના એમડીને રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં જેટકો કંપનીમાં ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષાનું આયોજન જેટકો કંપની તરફથી તા.5 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. પરંતુ, 100 માર્કના પેપર માં આશરે 63 પ્રશ્નોનો જવાબ ફક્ત બી ઓપ્શન હતો. જેથી જેટકો કંપનીની આ ભરતી પરીક્ષામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ગુજરાત એનર્જી એમ્પ્લોઈસ ટેક્નિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા છે. એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, જેટકો કંપનીમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં મોટા પાયે મોટા યુનિયન અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સેટિંગ થઈ ગયેલ હોય તેવું લાગે છે. આ અગાઉની પણ જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી વખતે પોલ ટેસ્ટ બાબતે છબરડા થયા હતા. તે સમયે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને જેટકોની પી.એ.-1 ની પણ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ખોટી ભરતી થઈ હતી, જે પણ રદ કરવામાં આવી હતી. તો આ ભરતીના પણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના નેક ઈરાદા અને ભષ્ટાચાર મુક્ત ભારત અને ગુજરાત કરવાના આશયને પૂર્ણ કરવા માટે આ ભરતી પ્રકિયા બંધ રાખવા તથા આ ભરતી પ્રકિયામાં જેટલા ભ્રષ્ટ અધિકારીઓ સામેલ હોય તેઓની વિરુદ્ધ જેટકો કંપનીના નીતિ-નિયમ મુજબ સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે જીયુવીએનએલના એમડીને રજૂઆત કરવામાં આવી છે.