અધિકારીઓના વાહનો જ અંદર પાર્ક થાય અરજદારોને જગ્યા જ ના મળે
રોડ પર વાહનો પાર્ક કરે તો ટ્રાફિક વિભાગ ટોઈંગ કરી જાય. પ્રજાનો મરો
જુની કલેકટર કચેરીમાં સરકારી વાહનોને જ પાર્કિંગ મળે છે
કુબેર ભવનમાં આવાગમન કરતા પક્ષકારોને પાર્કિંગની સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે
વડોદરા: રાજ્ય સરકારના કમાતા દીકરા મનાતા મહેસુલ વિભાગની અનેક રેવન્યુ કચેરીઓ હાલ પણ જુની કલેકટર કચેરીમાં કાર્યરત છે. રોજિંદા કામગીરી દરમિયાન હજારો લોકોની અવરજવર રહેતી હોવાથી પાર્કિંગની સમસ્યા સરકારી તંત્ર માટે કોયડારૂપ બની ચૂકી છે. કારણ કે નાયબ કલેકટર, પોલીસ અધિકારી અને સરકારી કર્મચારીઓના વાહનોથી જ પાર્કિંગની જગ્યા ભરાઈ જાય છે. લોકો માટે તો જગ્યા જ નથી રહેતી. નાગરિકોના વાહનો જો જાહેર માર્ગની આસપાસ પાર્ક થાય તો ટ્રાફિક વિભાગની ક્રેનો ગણતરીની પળોમાં વાહનો ઉઠાવીને દંડની વસુલાત કરે છે. એકંદરે પ્રજાને તો બેવડો માર સહન કરવાનો સમય આવી ગયો છે .

કુબેર ભવનની બહુમાળી બિલ્ડિંગમાં કચેરીઓ અને દસ્તાવેજોની કચેરીઓમાં દિવસભર વ્યાપક ચહલ પહલ રહે છે. જેથી પાર્કિંગ બાબતે દરરોજ તું તું મે મેના દ્રશ્યો જોવા મળે છે. ઉચ્ચ દરજ્જાના સરકારી અધિકારીઓ દરરોજ આ દ્રશ્યો જુએ છે. છતાં તેનો કાયમી ઉકેલ લાવવા કોઈ પગલાં ભરતા નથી . જાહેર માર્ગ ઉપર ટેકરો લારી ગલ્લા કાયમી ધમધમે તો એ દબાણ નથી પરંતુ પ્રજાનું વાહન ટૂંક સમય માટે પાર્ક થાય તો એ દબાણ ગણાય.
ભંગાર વાહનો ખસેડાય તો પાર્કિંગ સ્પેસ વધી જાય

શહેરમાં આવેલી કોઈપણ સરકારી કચેરીમાં જાઓ પ્રવેશ કરતા જ ભંગાર વાહનો જોવા ના મળે તો નવાઈ નહિ. જ્યારે વાહન બગડી જાય અને તેનો ઉપયોગ જ ના થાય તેવું જાણવા છતાં સરકારી રેઢિયાળ તંત્ર આવા વાહનોનો તાત્કાલિક નિકાલ કેમ કરતું નથી ? વાહન એટલી હદે સડી જાય છે કે એની બોડી અને સ્પેરપાર્ટ સુદ્ધાં પડ્યા પડ્યા છૂટા પડી જાય છે. છતાં ત્યાંથી ખસેડવાનું નામ લેવાતું નથી. એક તરફ પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. તો બીજી તરફ નકામા વાહનોના નિકાલ અંગે કોઈ પગલા ભરાતા નથી. લાખો કરોડો રૂપિયાના વાહનો ભંગારમાં આજે પણ સડી રહ્યા છે એકંદરે પ્રજાના ખિસ્સા ઉપર જ ટેક્સ નો માર પડે છે અને સરકારી તંત્ર લીલા લહેર કરે છે.
પ્રજાને આડકતરી રીતે લૂંટવાનું બહાનું એટલે વાહનનું દબાણ
કુબેર ભવનમાં દસ્તાવેજ કરવા આવેલા એક આધેડ વયના પક્ષકારે આક્રોશ ભર્યા સ્વરે એવું જણાવ્યું હતું કે, વર્ષોથી કુબેર ભુવન આવું છું. મને પાર્કિંગની સમસ્યા કાયમ નડી છે. કચેરીની અંદર તમારું વાહન પ્રવેશે ત્યાં જ ટ્રાફિક વાળા અટકાવીને બહાર પાર્કિંગ કરવા કહે છે. તો બહાર પાર્કિંગ કરો તો ટ્રાફિક વાળા તમારું વાહન ઊંચકી જાય અથવા મેમો ફટકારી દે. આમ પ્રજાને બેવડો માર મારતું સરકારી તંત્ર પાર્કિંગ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવશે ?
: કુબેર ભુવન પાછળ પાર્કિંગના બદલે કચરાપેટી
શહેરની મધ્ય આવેલી વિશાળ બહુમાળી બિલ્ડીંગ કુબેર ભુવનની પાછળ વિશાળ પાર્કિંગ આવેલું છે. ત્યાં ભાગ્યે જ વાહનો પાર્ક થાય છે. તેનું મુખ્ય કારણ પ્રવેશ ગેટ પાસે જ બદબૂ મારતી કચરાપેટી પડી છે. આસપાસના તમામ ખાણીપીણીની લારી હોટલ વાળા તેમનો તમામ કચરો ગેટ પાસે જ ઠાલવી દેતા ગંદકીના ઢગલે ઢગલા પડ્યા હોય છે . જેથી પાર્કિંગનો ઉપયોગ થતો નથી. પારાવાર ગંદકીની વચ્ચે પાર્કિંગમાં જવાનો માર્ગ જોઈને જ વાહન ચાલકો અટકી જાય છે. કચરાપેટ ની સાફ સફાઈ કરાવીને જો ફરજિયાત પાર્કિંગ પાછળ કરાવાય તો પણ સમસ્યામાં ઘટાડો થાય પરંતુ તંત્રને કંઈ જ પડી નથી.