લાશ જેની હતી તેને તો ન મેળવી શક્યા અમે પરંતુ આ બહાને જોઈ લીધી દુનિયા અમે. તમારી જે જુસ્તજૂ (શોધ) હોય તે આખી જિંદગી તમને નહીં મળે પરંતુ તેની શોધમાં આખી દુનિયાને સમજવાનો તેમ જ જોવાનો અવસર તો જરૂર મળે. આ શોધ કે જિજ્ઞાસા કેવી હોય? કોઈ પ્રિયજનની શોધમાં હોય, કોઈ સફળતાની શોધમાં હોય, કોઈ કીર્તિ મેળવવાની શોધમાં હોય, કોઈ સત્તા કે પદને મેળવવાની શોધમાં હોય. આ સૌથી વધુ તીવ્ર શોધ પોતાની જાતને સમજવાની શોધમાં હોય પરંતુ આ બધી શોધથી પણ એક વધુ ખોજ છે જેની શોધ જ તમને રસ્તો બતાવે તેવી છે. તે શોધ છે ઇશ્વરને પામવાની શોધ કે પછી અલ્લાહને રાજી કરવાની શોધ. આ એવી શોધ છે જે તમને ભક્તિ દ્વારા પ્રાપ્ત થઈ શકે. તમે કશું મેળવી નહીં શકો તો પણ ભક્તિની પ્રક્રિયામાં જ તમે બધું પ્રાપ્ત કરી શકો. અહીં અંતિમ મંઝિલ નહીં મળે તો પણ આ મજલ કાપવામાં જ તમને આધ્યાત્મિકતાની એક અલગ અનુભૂતિ થઈ શકે. કશુંક શોધવા જયારે તમે નીકળો છો ત્યારે ઘણું બધું તમને જાણવા મળે છે. ઘણાં લોકોને મળીને પોતાની જાતને સમજવાની તક મળે છે. ઘણી વખત જે શોધવા માટે તમે નીકળ્યા હોવ તે તમને નહીં મળે છતાં તમને કશુંક એવું જાણવા મળે કે તમે જે શોધવા માટે આખી દુનિયા ફર્યા તેનાથી તે વિશેષ હોય. બીજી રીતે કહીએ તો આખી દુનિયાની રઝળપાટ જેના માટે કરી તે તો નહીં મળ્યું પરંતુ બીજું ઘણું સમજવાની તક આ રઝળપાટમાં મળી. પ્રિયજનની શોધમાં નીકળેલા આશિકને પણ જો પ્રિયજન નહીં મળે તો પણ તેને આ દુનિયાને ઓળખી લેવાનો સબક તો જરૂર મળી જશે. કોઈ દરિયાખેડુને તોફાની દરિયો પાર કરીને જયારે કિનારો મળે તો તે કિનારો ભલે અજાણી જગ્યા હોય પરંતુ કિનારો મળતા જ તે નિરાંત અનુભવે. આ નિરાંતમાં જ તમારી સફરનો થાક ઊતરી જતો હોય છે. તમે જે શોધો છો તે મળે કે ન પણ મળે પરંતુ તેના માટે જે પ્રયાસ કરો છો તેનાથી ઘણું શીખવા મળે છે.
જુસ્તુજૂ જિસ કી થી ઉસ કો તો ન પાયા હમ નેઇસ બહાને સે મગર દેખ લી દુનિયા હમ ને- શહરયાર
By
Posted on