Vadodara

જુનીગઢીના શ્રીજીનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન, તંત્રને હાશકારો

3 હજાર જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, વિવિધ કંપનીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા નીકળી
ડીજેના તાલે નીકળેલી યાત્રામાં યુવાનો મન મુકીને ઝુમ્યાં, સંવેદનશીલ પાણીગેટ, માંડવી દરવાજો ક્રોસ કર્યાં બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો

નવલખી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવમાં વિના વિઘ્ને વિઘ્નહર્તાને વિદાય
પ્રતિનિધિ વડોદરા તા.2
વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મોટા મંડળો દ્વારા પંડાલો તથા ભક્તો દ્વારા ઘરમાં નાની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. જેમાં ત્રીજા તથા પાંચ દિવસે વિસર્જન પ્રક્રિયા યોજાઇ હતી. જુનીગઢીના ગણપતિનું પરંપરાગત રીતે સાતમાં દિવસે ભારે હર્ષ ઉલ્લાસ અને રાષ્ટ્રગીત વગાડ્યાં બાદ 3 હજાર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાના કારણે કોઇ પ્રકારના વિઘ્ન વિના આતશબાજી સાથે નીકળેલી વિસર્જન યાત્રા નવલખી મેદાનમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ગણેશ મંડળના આયોજકો દ્વારા ગણેશોત્સવ દરમિયાન ધૂમ ખર્ચો અલગ અલગ પ્રકારના ડેકોરેશન માટે કરાય છે. જેમાં જૂનીગઢીમાં પણ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાતી હોય છે. એટલે કે સાત દિવસ સુધી ભગવાનનું પુજન કર્યા બાદ સાતમા દિવસે શ્રીજીની પરંપરાગત રીતે વિસર્જન યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ જુનીગઢીના ગણપતિની સાતમા દિવસે પાંચ વાગ્યાના આસપાસ રાષ્ટ્રગીત વગાડ્યાં બાદ વિસર્જન યાત્રા શરૂ કરાઇ હતી.

એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, તમામ ઝોનના ડીસીપી, એસીપી, પીઆઇ તેમજ ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની એજન્સીઓ, હોમગાર્ડ મળીને 3 હજાર ઉપરાંતના પોલીસ કર્મચારીઓ તેમજ એસડીઆરએફ, બીએસએફ, સીઆરપીએફ સહિતના વિવિધ કંપનીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલ અને કોઇ પ્રકારના વિઘ્ન વિના આગળ ધપાવવામાં આવી હતી. છ વાગ્યા સુધીમાં તો પોલીસ દ્વારા પાણીગેટ દરવાજાની બહાર પસાર કરાવી દેવામાં આવી હતી.

વિસર્જન યાત્રામાં યુવકો સહિતના લોકો ડીજે તાલે ખુબ ઝુમ્યાં હતા. ઘણા લોકોએ પોતાની જુનાગઢીના ગણપતિની વિસર્જન યાત્રા સાથે સેલ્ફી પણ લીધી હતી. ડીજે જેવુ પાણીગેટ દરવાજા પાસે પહોંચ્યું હતુ કે બંધ કરાવી દેવામાં આવ્યું હતું. પાણીગેટ, માંડવી તથા લહેરીપુરા ગેટ જર્જરીત હોય ક્રોસ કરતા સુધી ડીજે ચાલુ કરવામાં આવ્યું હતું અને હર્ષ ઉલ્લાસ સાથે જુનીગઢીના શ્રીજીની શાંતિપૂર્ણ માહોલમાં નવલખી મેદાનમાં વિસર્જન કરાયું હતું. વિસર્જન યાત્રા કોઇ પ્રકારના વિવાદ વિના સંપન્ન થતા પોલીસ સહિતના તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

છત પરથી કોઇ અટકચાળુ ના થાય માટે ધાબા પોઇન્ટ તથા ડ્રોન દ્વારા ચાપતી નજર

સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી જૂનીગઢીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરાવવી પોલીસ તંત્ર માટે ભારે પડકાર રૂપ હોય છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા વિસર્જન યાત્રા દરમિયાન કોઇ કાકરીચાળો તથા કોમી છકમલુ ના થાય તેના માટે અગાઉથી એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો હતો. યાત્રા સાથે તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત હતા પરંતુ કોઇ ધાબા પરથી પથ્થરમારો ના કરે તેના માટે ડ્રોન દ્વારા તેમજ ધાબા પર પોઇન્ટ દ્વારા સમગ્ર વિસર્જન યાત્રા પર બાઇનોક્યુલર દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. ઉપરાંત સાઇબર ક્રાઇમ કોઇ ઉશ્કેરણીજનક લખાણ વાઇરલ ના કરે તેના સતત નજર રાખી બેઠુ છે.
મુસ્લિમ બિરાદરો દ્વારા પણ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું


જુનીગઢી ભદ્રકચેરી સંવેદનશીલ વિસ્તાર હોય અને ત્યાંથી શ્રીજીની વિસર્જન કાઢવામાં આવતી હોય ત્યારે દર વર્ષે મુસ્લિમ આગેવાનો દ્વારા વિસર્જન યાત્રાનું સ્વાગત કરાતું હોય છે ત્યારે આ વર્ષે પણ પરંપરા મુજબ મુસ્લિમ આગેવાનો દ્વારા વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વિસર્જન આત્રા આગળ જવા દેવામાં આવી હતી.
ગયા વર્ષે 8 કૃત્રિમ તળાવમાં 18827 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું
વડોદરા શહેરના 1720 મોટા તથા ઘરમાં પણ અસંખ્યાના નાની શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાંથી વિસર્જન આગામી દિવસે થવાનું છે ત્યારે ગત વર્ષ 2024મા પાલિકાએ આઠ કૃત્રિમ તળાવો બનાવ્યાં હતા. જેમાં ગત વર્ષ 18827 શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પાલિકા દ્વારા નવલખી, કુબરેશ્વર એસએસવી સ્કૂલ સામે, હરણી સમા કૃત્રિમ તળાવ, ગોરવા દશામા, માંજલપુર સ્મશાન પાસે, ખોડિયારનગર જીઓ પેટ્રોલપંપની સામે, લેપ્રેસી ગ્રાઉન્ટ સરદાર એસ્ટેટ, કિશનવાડી યુપીએસસી, બીલ, તરલાવી તથા મકરપુરા ગામે પાસે કૃત્રિમ તળાવ બનાવાયા છે. જેમાં અલગ અલગ દિવસના ગણપતિનું વિસર્જન કરાશે.

ચાલી નહી શકનાર મહિલા વિકલાંગ બાઇસિકલ લઇને વિસર્જન યાત્રામાં જોડાઇ
જુનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રામાં નીકળી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યાં હતા. ત્યારે એક સિંધી સમાજની હેન્ડિ કેપ મહિલા પોતાના પગે ચાલી શકતી ન હોય પરંતુ ભગવાન પર અતુટ શ્રદ્ધા હોય વિકલાંગ સાઇકલ લઇને વિસર્જન યાત્રામાં જોડાઇ હતી અને ધીરેધીરે વિસર્જન યાત્રાની પાછળ વિકલાંગ સાઇકલ લઇને વિઘ્ન હર્તાને વિદાય આપી હતી.

Most Popular

To Top