છેલ્લા એક મહિનામાં 10 દિવસથી વધુ ટ્રેક બંધ રહ્યો હતો; આજે ફરી વીજ કેબલ કપાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો.

વડોદરા પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી (RTO) ખાતે નવા AI ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ થયા બાદ અરજદારોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્ટ ટ્રેક સાથેની જીસ્વાન કનેક્ટિવિટીમાં ખામી આવતા, છેલ્લા એક મહિનામાં 10 દિવસથી વધુ સમય ટ્રેક બંધ રહ્યો હતો, જેના કારણે અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
30 જૂનના રોજ મુખ્ય ઑફિસથી ટેસ્ટ ટ્રેક ઑફિસ તરફ જતું વીજ કેબલ કપાતા ફરી ટેસ્ટ ટ્રેકની કામગીરી અટકી ગઈ છે. આ સંજોગોમાં 250થી વધુ અરજદારો આજે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહિ. બે દિવસની રજા બાદ ફરી ટેસ્ટ ટ્રેક બંધ રહેતા, અરજદારોને ફરી ધરમનો ધક્કો ખાવો પડ્યો છે. ઘણા અરજદારો રાહ જોતા રહ્યા છે અને પોતાની સમસ્યા લઈને અધિકારીઓ પાસે પહોંચ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષજનક ઉકેલ આવ્યો નથી.
અરજદારોની તરફથી ટેસ્ટ ટ્રેકની સરળ અને અવ્યવસ્થિત કામગીરી માટેની માગ વધી રહી છે, જેથી ભવિષ્યમાં આવી હાલાકી અને મુશ્કેલીઓથી બચી શકાય.