Charotar

જીસીએએસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યા નિવારવા માંગ

વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એબીવીપીનું પ્રદર્શન

પોર્ટલમાં ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી પડી રહી છે

(પ્રતિનિધિ) આણંદ તા.24

વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીસીએએસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાના નિવારણ માટે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આણંદની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયા કરવા હેતુ ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીસીએએસ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અભિનંદનને પાત્ર છે. પરંતુ પોર્ટલમાં ખામીઓ પણ એટલી જ છે. જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલમાં થઇ ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અવાર નવાર સરકાર સમક્ષ રજુ કરી અને સમસ્યાઓનું પરિણામ લાવવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ પ્રયાસ કરતી આવી છે. સરકાર દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાએ દુરદર્શી નિર્ણય છે, પરંતુ રાજ્યની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાના નીજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, તે સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા વિવિધ માગણી કરી હતી.

આ માગણીમાં જીસીએએસ પોર્ટલ આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વ વિદ્યાલયોમાં એડમીશનની ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વંચિત છે. વિદ્યાર્થી હિતને ધ્યાને લઇ તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારની કોલેજોમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને પ્રક્રિયાની જાણકારીનો અભાવ હોવાથી પ્રવેશથી વંચિત ન રહે એના માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત જીસીએએસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઇ કોલેજમાં પ્રવેશ મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઇ શકતો નથી. તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે, સાથે વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરવું હોય કે ફોર્મમાં રહેલી ભૂલ સુધારવાનો વિકલ્પ મળતો નથી. જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, જેનો ત્વરિત ઉકેલ લાવવો અનિવાર્ય છે.

જીસીએએસ પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રિત કરવાનું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા લાગે છે કે જીસીએએસ પોર્ટલ થકી જ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. જીસીએએસ પોર્ટલ પર એકત્રિત થયેલા નિજી ડેટા વર્તમાનમાં ક્યાં ક્યાં ઉપયોગ થઇ રહ્યો છે ? તેની માહિતી રાખવી મહત્વની છે. કોલેજના મેરિટ લીસ્ટ ક્યા માપદંડ પ્રમાણે બની રહ્યા છે ? તેની કોઇ પણ પ્રકારની જાણકારી નથી. જેથી જીસીએએસની પારદર્શકતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે, જેના પર ત્વરિત કાર્યવાહી આવશ્યક છે.

Most Popular

To Top