Vadodara

જીએસએફસી બ્રિજ પર ભારે ટ્રાફિક જામથી લોકો પરેશાન

માર્ગ સુધારણા કામગીરી ગોકળગતિએ ચાલતા કલાકો સુધી વાહનચાલકો અટવાયા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 4
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા જીએસએફસી નજીકના બ્રિજ પર આજે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બ્રિજના બંને તરફ હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ જતા નોકરીયાત વર્ગ તથા અગત્યના કામે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરથી દશરથ તરફ જતાં માર્ગ પર આવેલા જીએસએફસી બ્રિજ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ગોકળગતિએ ચાલતી હોવાના કારણે રોજિંદી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસી નીતિનભાઈ પિલ્લાઈએ જણાવ્યું હતું કે છેલ્લા લગભગ 15 દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ રહી છે. માર્ગ પર તબક્કાવાર કામગીરી થતાં વાહનચાલકોને રોજિંદા સમય કરતાં એક કલાક વહેલા ઘરેથી નીકળવાની ફરજ પડી રહી છે, જેના કારણે નોકરી-ધંધા પર જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે દરરોજ 10 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામ સર્જાતા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ આ કામગીરી ધીમી ગતિએ ચાલતા ફરી એકવાર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પરિણામે નાગરિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

Most Popular

To Top