ભર બપોરે અને મોડી રાત્રે રહીશોને અંધારામાં રાખતી ઇન્દ્રપુરી જીઈબી કચેરી સામે રોષ: અધિકારીઓનું ઉદ્ધત વર્તન


વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ પાસે આવેલી અર્બન રેસિડેન્સી, ખટંબાના રહીશો હાલ મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) ની કથિત દાદાગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, નિયમિત વીજ બિલ ભરવા છતાં ઇન્દ્રપુરી જીઈબી કચેરીના કર્મચારીઓ કોઈપણ પૂર્વ જાણ વગર ભર બપોરે કે મોડી રાત્રે સોસાયટીમાં આવીને વીજ મીટર કાપી જાય છે.
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાનું બિલ 5મી તારીખે ભરાઈ ગયું હોવા છતાં બે દિવસ પહેલાં વીજ કંપનીના માણસોએ મીટર કાપી નાખ્યું હતું. જ્યારે રહીશો બિલ ભર્યાની રસીદ લઈને ઇન્દ્રપુરી કચેરીએ પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે સિસ્ટમમાં પેમેન્ટ બતાવે છે, તેમ છતાં “ઉપરથી આદેશ છે” તેમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા.
રહીશોએ આક્ષેપ કર્યો છે કે ઇન્દ્રપુરી કચેરીના જવાબદાર અધિકારીઓ (ડી.ઈ. મેડમ) લોકોના ફોન ઉપાડતા નથી અને જો રૂબરૂ મળવા જઈએ તો દાદાગીરીભર્યું વર્તન કરવામાં આવે છે. રહીશોના જણાવ્યા મુજબ, જૂના મીટર કાઢીને પરાણે સ્માર્ટ મીટર નાખવા માટે આ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી રહી છે. એક કિસ્સામાં તો 12 માર્ચે કપાયેલા મીટર પર 13 માર્ચની તારીખ લખેલી જોવા મળી હતી, જે વીજ કંપનીની ગંભીર બેદરકારી સૂચવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલી આ સોસાયટીના 1286 પરિવારો અન્ય સમસ્યાઓથી પણ ઝઝૂમી રહ્યા છે. રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી અહીં વોલ્ટેજમાં ભારે વધ-ઘટ થાય છે, જેના કારણે પાણીની મોટરો વારંવાર બળી જાય છે. ઉનાળાની શરૂઆતમાં જ લાઈટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ છીનવાઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોસાયટીના અગ્રણી નીરવ પાઠકે જણાવ્યું હતું કે, વીજ કંપનીના કર્મચારીઓ એટલી હદે નિર્દયી બન્યા છે કે ઘરમાં 10 મહિનાનું નાનું બાળક હોય કે બીમાર વ્યક્તિ, તેની પરવા કર્યા વગર મોડી રાત્રે કનેક્શન કાપી નાખે છે. હાલમાં સોસાયટીના રહીશોએ ન્યાયની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.