કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઇમેલ આઇડી પર ચેન્નાઇના શ્રીનિવાસનના આઇડી પરથી ગર્ભીત ધમકીનો મેલ આવ્યો, ડીસીપી સહિતના અધિકારીઓ અને એસઓજી, ડીસીપી અને પોલીસનો કાફલો દોડી આવ્યો, બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરાયું ,કશું ના મળતા હાશકારો
પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરા શહેરના છેવાડે આવેલા ધનોરા ગામ પાસેની જીઆઇપીસીએલ કંપની બાદ હવે એજ મેલ આઇડી પરથી વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભીત ધમકી ભર્યો મેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ઉચ્ચ અધિકારીઓ સહિત બોમ્બ, ડોગ સ્કોડ, એસઓજી, ડીસીબી અને સ્થાનિક પોલીસ સહિતની કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. કચેરીની વિવિધ ઓફિસો અને કમ્પાઉન્ડ સાથે વિવિધ જગ્યા પર ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
તાજેતરમાં વડોદરા છેવાડે આવેલા ધનોરા ગામ પાસે આવેલી જીપીસીએલ કંપનીમાં ઇમેલ પર કંપનીને બોમ્બ ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મેલ ચેન્નાઇના સિંદુજા શ્રીનિવાસનના મેઇલ પરથી આવ્યો હતો. ત્યારબાદ ફરી આજ સિંદુજા શ્રીનિવાસનના મેલ પરથી ફરીવાર વડોદરાજિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઇમેલ આઇડી પર 6.18 વાગ્યાની આસપાસના એક મેલ આવ્યો હતો. જેમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યું લખાણ લખેલુ હતું. જેના કારણે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો. ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ, ડોગ સ્કોડ સહિતની કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરીમાં પહોંચી ગયો હતો અને કલેક્ટરી કચેરીમાં આવેલી વિવિધ ઓફિસ તથા કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં ડોગથી બોમ્બ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. પરંતુ કોઇ વાંધાજનક વસ્તુ નહી મળી આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. ડીસીપી ઝોન -2 ના અભય સોનીએ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીના ઓફિશિયલ મેલ પર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હોવાની કંટ્રોલમાંથી 7 વાગ્યાની આસપાસ વરધી મળી હતી. જે જીઆઇપીસીએલ કંપનીને જે મેલ મળ્યો હતો તેજ મેલ આઇડી પરથી ધમકી ભર્યો મેલ છે. જેથી પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમને સાથે રાખીને મેઇલ કોના દ્વારા મોકલાયો છે તેની જીણવટભરી તપાસ કરાઇ રહી છે. ઉલ્લેખનીય છેકે પહેલા રાજકોટ અને પાટણ બાદ હવે વડોદરા જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઇ છે.
