જિલ્લાની 530 ગ્રામ પંચાયતોમાં ઘરવિહોણા લોકોનો શોધવા માટે સર્વેક્ષણ હાથ ધરાયું હતું
વડોદરા જિલ્લામાં ઘરવિહોણા લોકોને શોધી તેને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં 14415 લાભાર્થીઓ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ વખતના અંદાજપત્રમાં આવાસ યોજનામાં આર્થિક સહાયમાં કરાયેલા માતબર વધારાનો લાભ પણ મળવાનો હોય હાલમાં ગ્રામીણ વિસ્તાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક લાભાર્થીને રૂ. 1.20 લાખની સહાય આપવામાં આવે છે. જેમાં આવાસ મંજૂરીના સમયે રૂ. 30 હજાર, ઘરનું પ્લીન્થ સુધીના બાંધકામ થવાથી રૂ. 80 હજાર અને પૂર્ણ થવાથી બાકીના રૂ. 10 હજારની ચૂકવણી કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ઉક્ત રીતે રૂ. 1.20 લાખ સિવાય રૂ. 12 હજારની સહાય ટોઇલેટ બ્લોક માટે અને ઘર બાંધકામમાં કામ કરવા બદલ પરિવારના એક સભ્યને પ્રતિ દિનના રૂ. 280 લેખે 90 દિવસની રોજગારી પેટેની સહાય મનરેગા હેઠળ આપવામાં આવે છે. લાભાર્થી જો તેમના મકાનનું બાંધકામ છ માસની અંદર પૂર્ણ કરે તો તેમને વધારાના રૂ. 20 હજારની સહાય મળે છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આવા મકાનના બાંધકામ માટે સહાયની રકમમાં રૂ. 50 હજારની વૃદ્ધિ કરી છે. જેનાથી ગરીબ પરિવારોને ફાયદો થશે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાની 530 ગ્રામ પંચાયતોમાં ઘરવિહોણા લોકોનો શોધવા માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને જેઓને ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ – 2.0 હેઠળ પાકું મકાન બનાવવા ઉક્ત ધોરણે આર્થિક સહાય આપવામાં આવે છે.
હાલમાં લાભાર્થીઓના સર્વેક્ષણ કરી ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. આ સર્વેક્ષણમાં બાકી તમામ લાભાર્થીઓને આવરી લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે એવો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્ દ્વારા પણ કરવામાં આવ્યો છે.

આ સર્વેક્ષણની કામગીરી તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલા સર્વેયરો દ્વારા કરવામાં આવી રહી છે. સર્વેયરો દ્વારા લાભાર્થીઓના આધાર કાર્ડ, બેંક પાસબૂકની વિગતો, રેશન કાર્ડ, જોબકાર્ડ વિગતો સાથે મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન, અરજી કરવાની કામગીરી કરાઇ રહી છે.તા. 20 સુધીમાં ડભોઇમાં 1820, ડેસરમાં 1522, કરજણમાં 1748, પાદરામાં 3772, સાવલીમાં 2165, શીનોરમાં 1386, વડોદરા તાલુકામાં 784 અને વાઘોડિયા તાલુકામાં 1219 લાભાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો છે
