Vadodara

જિંદગી બચી ગઈ પણ આસ્થાનું ધામ ક્ષતિગ્રસ્ત’: બસ અકસ્માતમાં મંદિરને ભારે નુકસાન

ધડાકાભેર મંદિરનું સ્ટ્રક્ચર તૂટી પડતા સ્થાનિકોમાં ફફડાટ: ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ખાનગી કંપનીની બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂનમ નગર ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી બસ રોડની સાઈડમાં આવેલા એક મંદિરના શેડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનું લોખંડનું સ્ટ્રક્ચર અને શેડ પળવારમાં જમીનદોસ્ત થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, એક ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ પૂનમ નગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસનો એક તરફનો ભાગ રોડની બિલકુલ અડીને આવેલા મંદિરના પતરાના શેડ અને થાંભલા સાથે અથડાયો હતો. અકસ્માતને પગલે જોરદાર અવાજ આવતા આસપાસના રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
​જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે મંદિરમાં કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. મંદિરના સ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ બસમાં સવાર મુસાફરો કે રસ્તા પરથી પસાર થતા લોકોમાંથી કોઈને ઈજા થઈ નથી.
અકસ્માતને પગલે પૂનમ નગર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વાહનોની ગતિ મર્યાદા જળવાતી નથી, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top