માર્કેટ ચાર રસ્તા, એરપોર્ટ ગેટ અને ગોત્રી તળાવ પાસે ઝુંબેશ, પથારા અને પરચૂરણ સામાન જપ્ત; અન્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ.
વડોદરા: મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા સોમવારે શહેરના જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરીજનોને સરળ અવરજવર મળી રહે અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે હેતુથી વડોદરાના અનેક મહત્ત્વના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

દબાણ શાખાની ટીમે સૌપ્રથમ વોર્ડ નં. 13 માં કાર્યવાહી કરી હતી. અહીં માર્કેટ ચાર રસ્તા પાસેથી ગેરકાયદેસર રીતે પાથરવામાં આવેલા ફૂલોના પથારા હટાવીને વિસ્તારને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દાંડિયા બજાર ચાર રસ્તા નજીક આવેલા ફાયર સ્ટેશનની બાજુમાંથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
શહેરના પ્રવેશદ્વાર અને વ્યસ્ત ગણાતા વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એરપોર્ટ ગેટ અને ગોલ્ડન ચોકડી વી સ્ટ્રકચરની આસપાસના દબાણો હટાવીને અવરજવર માટેની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. વહીવટી કેન્દ્ર સમા કલેક્ટર ઓફિસ પાસેથી પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરીને, ત્યાંથી પરચૂરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
અન્ય એક મોટી કાર્યવાહીમાં, ગોત્રી હરિનગર બ્રિજની નીચે ગેરકાયદેસર રીતે રહેતા શ્રમિકોને હટાવવામાં આવ્યા હતા અને તેમનો પરચૂરણ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 10 માં આવતા ગોત્રી તળાવ પાસેના દબાણકર્તાઓને તાત્કાલિક દબાણ દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
દબાણ દૂર કરવાની કાર્યવાહી ઉપરાંત, ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને નિરીક્ષણ પણ કર્યું હતું. જેમાં મિલન પાર્ટી પ્લોટ પાસે, કમલા નગર તળાવ ટર્નિંગ પાસે, આજવા ચોકડી રાત્રી બજાર સામે, સરદાર એસ્ટેટ લેપ્રેસી ગ્રાઉન્ડ પાસે, તરસાલી સર્કલ પાસે, તરસાલી સેલ્ફી પોઇન્ટ પાસે અને પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં શાકભાજીના પથારા ન લાગેલા હોવાનું માલૂમ પડ્યું હતું, પરંતુ ભવિષ્યમાં ફરી દબાણ ન થાય તે માટે ટીમે સઘન પેટ્રોલિંગ જારી રાખ્યું હતું.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર માર્ગો પરના દબાણો સામેની આ ઝુંબેશ નિયમિતપણે ચાલુ રહેશે, જેથી શહેરના નાગરિકોને સુવિધાયુક્ત માર્ગો મળી રહે.