Vadodara

જામ્બુવા બ્રિજ પર ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા મથામણ

પોલીસ કમિશનર કોમારની અધ્યક્ષતામા વીએમસી, આર&બી, આરટીઓ, એનએચએના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન કરીને ચર્ચા
જામ્બુવા બ્રિજ સાંકડો છે અને રોડ પહોળા છે, આથી 5થી 10 કિમી ટ્રાફિક જામની સમસ્યા અનેક વખત સર્જાઈ છે

જાંબુવા બ્રિજ પર ટ્રાફિક સમસ્યા નિવારણ માટે સંયુક્ત મુલાકાત અને નિરીક્ષણ



ટૂંકા ગાળાના આયોજનનું સત્વરે અમલીકરણ કરવા માટે એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવામાં આવશે: શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર


એક અઠવાડિયામાં જ ખાડાઓ પૂરીને રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે: NHAI ના પ્રોજેક્ટ ડાયરેક્ટર


વડોદરા: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-48 પર વડોદરા નજીકના જાંબુવા બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારણ માટેના ટૂંકા અને લાંબા ગાળાની કાર્યવાહીના અનુસંધાને આજે સાંજે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં સંયુક્ત મુલાકાત યોજાઈ હતી. આ સંયુક્ત મુલાકાત સહ નિરીક્ષણમાં શહેર પોલીસની સાથે નેશનલ હાઈવે ઓથોરિટી, આર. ટી. ઓ., નેશનલ હાઈવે પેટ્રોલવાન, માર્ગ અને મકાન વિભાગ, વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા.

જાંબુવા બ્રિજ પર વાસ્તવિક સ્થિતિને નજરે જોવા માટે નરસિમ્હા કોમાર અને તમામ અધિકારીઓએ પગપાળા ચાલીને તમામ સંભવિત ટ્રાફિક પોઈન્ટનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું તેમજ વિવિધ વિકલ્પો અંગે મંથન કરીને ટ્રાફિકના પ્રવાહને વધુ સુગમ બનાવવા માટે શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ આયોજન, સ્ટ્રક્ચરલ સુધારા, રોડ સાઈનેજમાં સુધારા, ટ્રાફિક ડાયવર્ઝન અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓની સમીક્ષા કરીને સત્વરે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તે અંગે પોલીસ કમિશનરે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ નિરીક્ષણ બાદ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, લોકોને અને વાહનચાલકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને ટ્રાફિક સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. સંકલન, વ્યવસ્થાપન, માનવબળ વગેરે પરિબળોના આધારે શ્રેષ્ઠ ટ્રાફિક વ્યવસ્થાપન અને નિરંતર વાહનો અવર-જવર કરી શકે તે અંગે એક્શન પ્લાન ઘડીને તેને અમલમાં મૂકીશું. ખાડાઓ પૂરવાનું, પોલીસકર્મીઓની તહેનાતી, રોડ રિસરફેસિંગ તથા અન્ય આનુષાંગિક કામગીરી, બોર્ડ અને સાઈનેજ મૂકવા સહિતના ટૂંકા ગાળાના આયોજનનું સત્વરે અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. મધ્યમ અને લાંબા ગાળા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કાર્યવાહી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તો, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટ અનુજ શર્માએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર ખાડાઓને શોધીને તાત્કાલિક પૂરવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે ખાડાઓ પૂરવાની કામગીરીમાં થોડો અવરોધ આવી રહ્યો છે, પરંતુ એક અઠવાડિયામાં જ ક્ષતિગ્રસ્ત ભાગોનું રિસરફેસિંગ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. સાંકડો બ્રિજ અને શહેરના માર્ગોનું નેશનલ હાઈવે સાથે મર્જ થવું જેવા કારણો પણ ટ્રાફિકજામ માટે જવાબદાર હોય, આ દિશામાં આયોજનબદ્ધ કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જાંબુવા બ્રિજના વિસ્તૃત નિરીક્ષણ બાદ યોગ્ય આયોજન અંતર્ગત તાત્કાલિક અને સ્થાયી પગલાં લેવામાં આવશે, જેથી વાહનચાલકોને ટ્રાફિકજામથી રાહત મળશે.


સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લવાશે: પોલીસ કમિશ્નર

ટ્રાફિક સંકલન સમિતિના અધ્યક્ષ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર નિરંતર ટ્રાફિક રહે છે. વરસાદી માહોલ અને રોડ પર ખાડાઓ પડવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની હતી જેનો ઉકેલ લાવવા આર&બી, vmc આરટીઓ સહિતની એજન્સીઓ વચ્ચે સંકલન કરીને ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મળશે. હાઈવે સમસ્યા નિરાકરણ લાવવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. તમામ વિભાગ એકબીજા સાથે કનેક્ટ થઈને અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ હાથ ધરશે. મુંબઈ અમદાવાદ હાઈવે ખાસ સુવિધાજનક બનાવવા પ્રયાસ ચાલુ છે

Most Popular

To Top