હાલોલ:;
સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસોનવરાત્રી દરમિયાન શ્રી કાલિકા માતાજી મંદિર દર્શન સમયમાં ફેરફાર સાથે ભવ્ય આયોજન કરાયું છે.
શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સંખ્યાને લઈને મંદિરના દ્વાર વધુ સમય ખુલ્લા રહે અને સર્વ ભક્તોને શ્રી મહાકાલી માતાજીના દર્શનથી વંચિત ન રહે તે હેતુથી આસો નવરાત્રી દરમિયાન આગલા બે દિવસથી એટલે કે તા. 20.9.2025 થી તા.6.10.2025 ને પૂનમ સુધી મંદિરમાં દર્શન માટે સવારે દ્વાર ખુલવાનો સમય અને સાંજે દ્વાર બંધ થવાનો સમય નિર્ધારિત કરી શ્રી કાલિકા ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
તા.20.9.2025 તથા તા.21.9.2025 અમાસ અને તા.23.9.2025 પહેલા નોરતે સવારે 5:00 કલાકે મંદિરના દ્વાર ખુલશે અને રાત્રે 8:00 દ્વાર બંધ થશે. તા23.9.2025 મંગળવાર, તા.24.9.2025 ને બુધવાર, તા.25.9.2025 ને ગુરૂવાર તા.26.9.2025 ને શુક્રવાર સુધી મંદિરના દ્વાર સવારે 6:00 કલાકે ખુલશે અને રાત્રે 8:00 કલાકે બંધ થશે, તારીખ 27.9.2025 ને શનિવારે પાંચમા નોરતે મંદિરના દ્વાર સવારે 5:00 કલાકે ખુલશે અને રાત્રે 8:00 કલાકે બંધ થશે. તા.28.9.2025 ને રવિવારે છઠ્ઠા નોરતે મંદિરના દ્વાર સવારે 4:00 કલાકે ખુલશે અને રાત્રે 8:00 કલાકે બંધ થશે. તા.29.9.2025 ને સોમવાર સાતમા નોરતે અને તા.30.9.2025 ને મંગળવાર આઠમા નોરતે બંને દિવસે મંદિરના દ્વાર સવારે 5:00 વાગે ખુલશે અને રાત્રે 8:00 બંધ થશે. તારીખ1.10.2025 ને બુધવાર નવમા નોરતાથી તારીખ4.10.2025 સુધી મંદિરના દ્વાર સવારે 6:00 કલાકે ખુલશે અને રાત્રે 8:00 કલાકે બંધ થશે તા.5.10.2025 અને તા.6.10.2025 ને પૂનમ સુધી ભક્તો માટે શ્રી કાલિકા માતાના દર્શન અર્થે સવારે 5:00 કલાકે દ્વાર ખુલશે અને રાત્રે 8:00 કલાકે દ્વાર બંધ કરવામાં આવશે.
આસોનવરાત્રીમાં સમયમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી ગુજરાત એસટી નિગમ દ્વારા પાવાગઢ તળેટી બસ સ્ટેન્ડથી માચી ઉપર જવા માટે દરરોજ 50 થી 60 બસોની પણ પૂરતી વ્યવસ્થા એસટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને પ્રાઇવેટ સાધનોને સદંતર માચી જતા બંધ કરવામાં આવ્યા છે. આસો નવરાત્રીમાં પદયાત્રીઓને ધ્યાનમાં રાખી હાલોલ જ્યોતિ સર્કલથી પાવાગઢ ડુંગર માચી સુધી તંત્ર દ્વારા લાઇટિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. માં જગતજનનીના નવલી નોરતામાં શ્રી કાલિકા માતા મંદિર અને અન્ન ક્ષેત્રને રંગબેરંગી લાઇટિંગની રોશનીઓ કરી ઝળહળતું કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી ને ધ્યાનમાં રાખીને ભક્તોનો ધસારો ખૂબ જ રહેવાથી આવનારી યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે હેતુથી પાવાગઢ તળેટીથી માચી સુધી અને માચીથી મંદિર સુધી મેડિકલ વ્યવસ્થા રાખવામાં આવનાર છે. જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સાથે સાથે અસંખ્ય ભક્તોની ભીડ ઉભી થવાના કારણે પોલીસ તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે તેવું મંદિરના ટ્રસ્ટી વકીલ વિનોદભાઈ દ્વારા જણાવાયુ છે .