સરપંચો અને લાભાર્થીઓએ તાલુકામાં થયેલા કામોની સ્થળ ચકાસણી કરવા કોંગ્રેસને ઓપન આમંત્રણ આપ્યું
જાંબુઘોડા:
વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નિવેદનને લઈ જાંબુઘોડા તાલુકામાં વિરોધ થયો છે. તાલુકાની 26 ગ્રામ પંચાયતોમાં યોગ્ય કામગીરી થઇ જ છે તેવા દાવા સાથે તાલુકાના તમામ સરપંચો અને લાભાર્થીઓએ તાલુકામાં થયેલા કામોની સ્થળ ચકાસણી કરવા કોંગ્રેસને ઓપન આમંત્રણ આપ્યું છે.
વિરોધ પક્ષના નેતા અમીત ચાવડા દ્વારા પંચમહાલ જિલ્લા ના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડના આક્ષેપ કરવાના મામલે આજ રોજ જાંબુઘોડા તાલુકાની 26 ગ્રામ પંચાયતોના સરપંચો સહિત સેકડોની સંખ્યામાં આમ જનતાએ જાંબુઘોડા સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને પાયા વિહોણા ગણાવી મનરેગા યોજના હેઠળ તાલુકામાં થયેલા તમામ કામોની કોંગ્રેસને તેમજ જે કોઈપણ આ કામોની તપાસ કરવા માંગતા હોય તેવા લોકોને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે તેઓ જાંબુઘોડા તાલુકામાં થયેલા વિકાસ ના કામોની સ્થળ ચકાસણી કરી લે.
જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, હાલ ના પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક કુમાર દેસાઈ જેઓ જાંબુઘોડા તાલુકાના વતની છે તેઓ દ્વારા મનરેગા યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો છે. આ મામલે જાંબુઘોડા તાલુકા ના 26 ગામોના સરપંચો સહિત લોકોએ ભેગા થઇ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ભ્રષ્ટાચાર ના આરોપો પાયા વિહોણા ગણાવી જણાવ્યુ હતુ કે જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ વિકાસના કામો થયા છે અને જોબકાર્ડધારકો ના ખાતામાં પણ નાણાંની ચુકવણી કરવામાં આવી છે. તાલુકાના તમામ સરપંચ એક જગ્યાએ ભેગા થઇ ભુતપુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઉદેસિંહ બારીયા દ્વારા રાજકીય દ્વેષ રાખી સમગ્ર મામલે આક્ષેપ કરાયાનું જણાવ્યું હતુ.