( પ્રતિનિધી )વડોદરા,તા.31
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 જાંબુઆ બ્રિજ ઉપર બે આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ગેસના બોટલ ભરેલી આઇસર ટેમ્પોને પાછળથી ધસી આવેલા બીજા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલકને ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેર અને હાઇવેના માર્ગો ઉપર દિવસે અને દિવસે અકસ્માતોના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં આજરોજ વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી બોરસદ બીપીસીએલના ગેસના બોટલ ભરીને પસાર થઈ રહેલા એક આઇસર ટેમ્પોને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બીજા એક આઈસરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. હાઇવે પર સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આગળના આઇસરના ચાલકે નુકસાનીનું ભરપાઈ કરવાની માંગણી કરી હતી.

બનાવની જાણ કરવામાં આવતા હાઈવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આગળ પસાર થઈ રહેલા આઈસરના ટેમ્પોમાં ગેસના બોટલ ભરેલા હતા. જો આ અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતી તો મોટી દુર્ઘટના થઈ હોત તે વાતને પણ નકારી શકાય તેમ નથી.