પ્રશાસન અને પોલીસની નિષ્ક્રિયતાથી વાહન ચાલકો મોતના ખાડામાં પછડાઈ રહ્યા છે
જાંબુઆ બ્રિજથી સર્વિસ રોડ પર વરસાદી ખાડાથી ભારે હાલાકી: સતત કેટલા દિવસથી ટ્રાફિકની સમસ્યા, અકસ્માતમાં વાહનોને નુકસાન અનેકને નાની મોટી ઇજા
વડોદરા,: વડોદરા શહેરમાં આવેલા જાંબુઆ બ્રિજ અને તેની નીચેના સર્વિસ રોડ પર છેલ્લા કેટલા દિવસથી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાયા પછી ઊભી થયેલી પરિસ્થિતિએ વાહનચાલકો અને પગપાળા રાહદારીઓના જીવ જોખમમાં મુકયા છે.

બ્રિજ નીચે આવેલો સર્વિસ રોડ ભારે વરસાદને કારણે પાણીથી ભરાઈ ગયો હતો. પાણી ભરાતા રોડની વચ્ચેનો લગભગ બે ફૂટ ઊંડો ખાડો વાહનચાલકોને દેખાતો નહોતો. આ કારણે છેલ્લા ચાર દિવસોમાં અનેક વાહનો ખાડામાં ફસાયા, કેટલાક વાહનો પલટી ગયા તેમજ અનેક વાહનોને ભારે નુકસાન થયું. ઘણી બધી ઘટનાઓમાં વાહનચાલકોને નાની–મોટી ઈજાઓ પણ પહોંચી છે.

આજરોજ અનેક વાહનો ખાડામાં ખાક્યા હતા અને અનેક વાહનો ને ભારે નુકશાન થયું હતું. દરમિયાન થ્રી વ્હીલર ટેમ્પો ત્યાંથી પસાર થતો હતો વરસાદી પાણી ન કારણે તેને ખાડો ના દેખાતા તેનું વાહન ખાડામાં ખાબક્યું હતું અને મોટો અકસ્માત થતા રહી ગયો હતો. આ અકસ્માત માં મોત પણ થાય તેવી સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસ અગાઉ આજવા વાઘોડિયા રોડ પર આવજ ખાડામાં રિક્ષા ચાલક ખાબકતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે રોજિંદા વાહન વ્યવહાર માટે આ સર્વિસ રોડનો મોટાપાયે ઉપયોગ થતો હોવાથી ટ્રાફિકનુ દબાણ પણ અહીં વધુ છે. પાણી ભરાવાની સમસ્યા તથા ખાડાના લીધે લોકોને આજે પણ લાંબી લાઈનમાં ઊભા રહીને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વર્ષો જૂની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા સમયસર મરામત અને નિકાલની સુવિધા ન આપવામાં આવતાં વરસાદી દિવસોમાં જોખમ ઉભુ થાય છે.
ભારે વાહનોથી વ્યસ્થ માર્ગ પર અકસ્માતો વધતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માગણી પણ ઉઠી છે.
“ખાડા કારણે રોજ કોઈ ને કોઈ અકસ્માત બને છે, બાળકો સ્કૂલ જતાં હોય કે કામદારો રોજગારી માટે જતા હોય તેઓ સૌને જીવના જોખમ સાથે પસાર થવું પડે છે” એવા સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે.
વડોદરા મહાનગર પાલિકા અને સંબંધિત તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ક્યારે તાત્કાલિક પગલાં લે છે.