જાંબુઆ ગામ જવાના મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો :
કોર્પોરેશન દ્વારા પોઇન્ટ મૂકવા સહિત મેડિકલ વેસ્ટ નાખનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ :
( પ્રતિનિધી )વડોદરા,તા.15
વડોદરા શહેરના જાંબુવા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણી વ્યક્તિઓ દ્વારા મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જ્યારે બીજી તરફ લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે. ત્યારે તંત્ર વહેલી તકે આ મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી.

વડોદરામાં ફરી એક વખત લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે થોડા સમય પહેલા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા તપાસ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

જોકે આ કાર્યવાહી બાદ પણ કેટલાક તત્વો જાહેર જગ્યાઓ પર મેડિકલ વેસ્ટ ફેંકીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. વડોદરા શહેર નજીક આવેલા જાંબુવા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર અજાણી વ્યક્તિ દ્વારા મોટી માત્રામાં ઇન્જેક્શન ખાલી દવાની બોટલો, ટેબલેટ્સ સહિતનો મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીંથી ઘણા લોકો અવર-જવર કરે છે મોર્નિંગ વોક માટે નીકળે છે, ઇવનિંગ વોક માટે નીકળે છે. નાના બાળકો પણ આ જ માર્ગ ઉપર થી પસાર થાય છે. ત્યારે આ તમામ લોકોને જોખમ ઊભું કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ એક ખરેખર ગંભીર બાબત છે.

જે લોકો મેડિકલ વેસ્ટ નાખી રહ્યા છે. એનાથી આજુબાજુ રહેવાવાળા વર્ગને ભયંકર રોગો થવાની સંભાવના વધી જાય છે. જેથી તંત્ર આ બાબતે જાગૃત થાય અને મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય સાથે જ ખરેખર તો અહીંયા કોર્પોરેશન એક પોઇન્ટ મૂકવો જોઈએ જેથી અહીંયા કોઈ મેડિકલ વેસ્ટ સહિત કચરો નાખી ન જાય.