Vadodara

જાંબુઆના ગોકુળ ડુપ્લેક્સ પાસે મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ

ખાનગી સંસ્થાના કાર્યકરો દ્વારા નવ ફૂટના મગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સુપરત કરાયો :

પ્રતિનિધિ )વડોદરા,તા.26

વડોદરા શહેર નજીક જાંબુઆ ગામ પાસે આવેલા ગોકુળ ડુપ્લેક્સ પાસેના રોડ ઉપર ચાલવા નીકળેલા લોકોને મહાકાય મગર નજરે પડતા ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગેની જાણ કરવામાં આવતા ખાનગી સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આશરે 8 થી 9 ફૂટના મહાકાય મગરને ભારે જહેમતે રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

ખાનગી સંસ્થાના રેસ્ક્યુઅર જયેશભાઈએ જણાવ્યું હતું કે, જાંબુઆ ગામ નજીક ગોકુળ ડુપ્લેક્સ આવેલા છે અને અહીંથી વિશ્વામિત્રી નદી એકથી દોઢ કિલોમીટરના અંતરે આવેલી છે. જ્યારે બાજુમાંજ એક તળાવ આવેલું છે. હાલ ગરમીનો સમય છે એટલે લોકો એમના રાબેતા મુજબના સમયે રાત્રે ચાલવા માટે અહીંથી નીકળ્યા હતા. દરમિયાન નજીકમાં જ એક જગ્યા છે. જ્યાં એક સાઇટના બાંધકામની કામગીરી ચાલી રહી છે. સોસાયટી નજીકમાં જ એક મોટો મગર રાત્રે ચાલવા માટે નીકળેલા રહીશોને નજરે પડ્યો હતો. જેથી તેમણે અમને ટેલીફોનિક માહિતી આપી હતી. અમને જાણ થતા જ અમે તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં આઠથી નવ ફૂટ ના મહાકાય મગરને રેસક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. હાલમાં ગરમીની સિઝન છે. જેના કારણે તળાવ સુકાતા હોય છે. એટલે રાત્રિના સમયે મગરો શાંત વાતાવરણમાં પોતાની જગ્યા પર પરત જવા માટે નીકળતા હોય છે. પરંતુ, હવે અહીંયા રેસિડેન્સીયલ વિસ્તાર થઈ ગયો છે. જેથી રહીશો અને મગર આમને સામને આવી જતા હોય છે. જેના કારણે લોકો મગરને જોઈને ઘણીવાર ગભરાઈ જતા હોય છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. એ પણ એક વન્યજીવ છે. કોઈપણ વન્ય જીવ નજરે પડે તો તાત્કાલિક વનવિભાગ અથવા અન્ય પ્રાણીઓ માટે સંસ્થાઓ કાર્ય કરતી હોય છે, તેમનો સંપર્ક કરવામાં આવે તો વન્યજીવોનો પણ આપણે બચાવી શકીએ.

Most Popular

To Top