પાદરા:
પાદરા શહેરના સમસ્ત મુસ્લીમ સમાજે તાજેતરમાં જમ્મુ-કશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાની નિંદા વ્યક્ત કરી છે. દેશમાં પર્યટન માટે ગયેલા નિર્દોષ ૨૮ નાગરિકોના શહીદ થવાના દુખદ બનાવ પર દુઃખ વ્યક્ત કરતાં સમસ્ત મુસ્લીમ સમાજે આજે મામલતદાર કચેરી, પાદરા ખાતે મૌન રેલી યોજી આવેદનપત્ર રજૂ કર્યું હતું.
આવેદનમાં જણાવ્યું કે, નાપાક ઇરાદા ધરાવતા આતંકવાદીઓએ દેશના નિર્દોષ પર્યટકો ઉપર હીચકારી હુમલો કરી ૨૮ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે અને ૧૭ જેટલા લોકો ઘાયલ થયા છે. પાદરા મુસ્લીમ સમાજે આ ઘટના અંગે ગંભીર દુઃખ વ્યક્ત કરીને હુમલાને પોતાના પરીવાર પર થયેલા હુમલા સમાન ગણાવ્યો છે.
મુસ્લીમ સમાજે સરકાર સમક્ષ આ તત્વોના સંપૂર્ણ નાશ માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગણી સાથે પાકિસ્તાનને પણ કડક જવાબ આપવા આહ્વાન કર્યું છે.
સામાજિક એકતાનું દ્રષ્ટાંત પુરું પાડતાં, પાદરા મુસ્લીમ સમાજે મૃતકોના પરીવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી અને ભારતમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. સમસ્ત મુસ્લીમ સમાજે માગણી કરી છે કે આ દુઃખદ ઘટના માટે જવાબદાર તત્વો સામે જળદીથી અને દ્રઢ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.