વાઘોડિયા ચોકડી તરફ જતાં બાપોદ જકાતનાકા પાસે આવેલા જય અંબે નગર પાસે રાત્રે સવા નવ વાગ્યે બનાવ બન્યો
આશરે સવા તોલાની પેન્ડલવાળી સોનાની ચેઇન જેની અંદાજે કિંમત રૂ.80,000 ગઠિયાઓ આંચકી ગયા
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત વૃંદાવન ચારરસ્તા નજીક રહેતી અને એમ.બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી ગત તારીખ 27મી જાન્યુઆરીના રોજ રાત્રે સવા નવ વાગ્યાના અરસામાં જમીને ચાલવા નિકળી હતી તે દરમિયાન જય અંબે નગર પાસે બે અજાણ્યા બાઇક સવાર ઇસમોએ યુવતીના ગળામાંથી સોનાની પેન્ડલ વાળી ચેઇન આંચકી ફરાર થઇ જતાં સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં દિનપ્રતિદિન ગુનાખોરીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.શહેરમા છેલ્લા આઠ મહિના દરમિયાન લૂંટફાટ,ચોરી, બળાત્કાર,ખૂન, જીવલેણ હૂમલા અને મારામારી ના બનાવો, દારુની હેરફેર સહિતના ગુનાઓમાં વધારો થયો છે ત્યાં સુધી કે ધોળા દિવસે સોનાની ચેઇન અછોડાની ચીલઝડપ, ઘરમાં ધોળા દિવસે ચોરી થી હવે લોકો એક અજાણ્યા ભયના ઓથાર હેઠળ હોવાનું અનુભવી રહ્યાં છે તેમાંય શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ વિસ્તારમાં બે મહિનાની અંદર જ બીજો અછોડા તોડવાનો બનાવ બન્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત વૃંદાવન ચારરસ્તા નજીક આવેલા મેઘદૂત એપાર્ટમેન્ટમાં મકાન નંબર 102મા રહેતી મૂળ અંકલેશ્વર હાંસોટ રોડ ખાતે શરણમ્ બંગલામાં રહેતી યુવતી ચૈતાલીબેન સંદીપકુમાર આમલીકર ઉ.વ.25,વાઘોડિયાના પારૂલ યુનિવર્સિટીમાં એમ.બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને બહેનપણીઓ સાથે વૃંદાવન ચારરસ્તા પાસે રહે છે તે ગત તા. 27મી જાન્યુઆરીના રોજ રાત્રે જમ્યા બાદ વૃંદાવન ચારરસ્તા થી વાઘોડિયા ચોકડી તરફ ચાલવા માટે નિકળ્યા હતા અને ચાલતા ચાલતા બાપોદ જકાતનાકા પાસે આવેલા જય અંબે નગર પાસેથી રાત્રે 9:20 કલાકે ચાલતા જતા હતા તે દરમિયાન હડકાઇ માતાના મંદિર ની સામે રોડ પર બે અજાણ્યા બાઇક સવાર ઇસમો આવ્યા હતા અને ચાલુ બાઇકે એક ઇસમે ચૈતાલીબેનના ગળામાં હાથ નાખીને સોનાની પેન્ડલ વાળી આશરે સવા તોલાની ચેઇન જેની અંદાજે કિંમત રૂ.80,000 આંચકીને વાઘોડિયા ચોકડી તરફ ભાગી છૂટ્યા હતા. યુવતીએ શોર મચાવતા વાતાવરણ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અજાણ્યા બાઇક સવાર નો પીછો કર્યો હતો પરંતુ બંને ઇસમો ફરાર થઇ ગયા હતા મોટરસાયકલ પાછળ બેઠેલા ઇસમે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું બંને ઇસમોએ મોઢા પર કાળો રૂમાલ બાંધ્યો હતો જો કે મોટરસાયકલ નો નંબર જોઇ શકાયો ન હતો.બનાવની જાણ થતાં કપૂરાઇ પોલીસે અજાણ્યા બાઇક સવાર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને રાત્રે સમગ્ર રૂટ પરના આસપાસના સીસીટીવી કેમેરા સહિત નજરે જોનારાની પૂછપરછ હાથ ધરી હતી.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)