સામાજિક કાર્યકર દ્વારા ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણા પર લોક જાગૃતિ માટે લાકડાનો દંડો મૂકવામાં આવ્યો
પાલિકા તંત્રને ઓનલાઇન ફરિયાદ તથા સ્થાનિક વોર્ડ કચેરી અને કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ આવ્યો નથી

(પ્રતિનિધિ) વડોદરા તા. 09
શહેરના માંડવી ચાર દરવાજા નજીક આવેલા જમનાબાઇ જનરલ હોસ્પિટલ ના મુખ્ય ગેટ પાસે છેલ્લા છ દિવસથી ડ્રેનેજનુ ઢાંકણું તૂટેલી હાલતમાં હોય રાહદારીઓ અને વાહનદારીઓ તથા મૂંગા પશુઓ માટે જોખમી બન્યું છે સાથે જ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે પણ આ જોખમી બની શકે તેવી સ્થિતિ છે ત્યારે આ અંગે સામાજિક કાર્યકર દ્વારા પાલિકા તંત્રને ઓનલાઇન ફરિયાદ, સ્થાનિક વોર્ડ કચેરી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ નિરાકરણ આવ્યું ન હતું ત્યારે લોકોની સલામતી માટે સામાજિક કાર્યકર દ્વારા અહીં લાકડી મૂકી જોખમી સાઇન નિર્દેશસૂચક લગાડવામાં આવ્યું છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી શહેરમાં ચારેક દિવસ અગાઉ અઢી ઇંચ અને તે પહેલાં દોઢેક ઇંચ વરસાદમાં જ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં જેમાં પાણીગેટ થી લહેરીપુરા દરવાજા વચ્ચે પણ એક થી દોઢ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયાં હતાં. અહીં માંડવી ચાર દરવાજા નજીક જમનાબાઇ જનરલ હોસ્પિટલ આવેલી છે જ્યાં દરરોજના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અહીં હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલ ડ્રેનેજ નું ઢાંકણ છેલ્લા છ દિવસથી તૂટેલી હાલતમાં છે જે રાહદારીઓ અને વાહનદારીઓ તથા મૂંગા પશુઓ માટે જોખમી બની શકે તેવી સ્થિતિમાં છે ત્યારે આ બાબતે સામાજિક કાર્યકર ફારુકભાઇ સોની દ્વારા પાલિકામાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી સાથે જ સ્થાનિક વોર્ડ કચેરી અને કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતાં આખરે તેમણે જાતે જ લોકોની સલામતી સુરક્ષા માટે જાતે ડંડા સાથે જોખમી સાઇન નિર્દેશસૂચક લગાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ખાડા તેમજ જોખમી ડ્રેનેજના તૂટેલા ઢાંકણાં જોવા મળી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા તથા સ્થાનિક કાઉન્સિલરો દ્વારા પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે આ સમસ્યાનું નિવારણ ચોમાસા પહેલા કરવાનું હોય છે છતાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા નગરસેવકો દ્વારા આ સમસયા અંગે ઉદાસીન વલણ અપનાવતા નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે.