Bodeli

જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો

લીઝ બહારથી ગેરકાયદેસર રેતી લાવી વોશિંગ, ખેડૂતોના હિતોને મોટું નુકસાન
ખાણ–ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકમાં રોષ

પ્રતિનિધિ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ નદીમાં જબુગામ મેરિયા બ્રિજ પાસે ચાલતી કેટલીક રેતી લીઝોમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે લીઝધારકો નદીના ગ્રામ પંચાયત વિસ્તારના ઢગલાઓ તેમજ અન્ય સ્થળોથી ગેરકાયદેસર રીતે વોશિંગ વાળી રેતી લાવી, લીઝની અંદર ઠલવી રહ્યા છે અને ત્યાં રેતીનું વોશિંગ કરી તેનું વેચાણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા લીઝની શરતો અને ખનીજ કાયદાનો સીધો ભંગ ગણાય છે.
અધિકારીઓને જાણ છે છતાં કાર્યવાહી કેમ નથી?
સ્થાનિકોમાં ચર્ચાનો વિષય એ છે કે ખાણ–ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરરીતિની જાણ હોવા છતાં કોઈ કડક પગલાં લેવાતા નથી. મેરિયા બ્રિજ આસપાસ ગેરકાયદેસર રેતી ખનન સતત ચાલતું હોવા છતાં વહીવટી તંત્ર ફક્ત ટ્રેક્ટર પકડવાની કાર્યવાહી સુધી સીમિત હોવાનું લાગી રહ્યું છે, જ્યારે મોટા પાયે ચાલી રહેલી લીઝ ગેરરીતિ તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતો અને પર્યાવરણ પર ગંભીર અસર
આ ગેરકાયદેસર ખનનના કારણે પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે, જેનાથી ખેતી અને સિંચાઈ પર ભારે અસર પડી રહી છે. જો ખાણ–ખનીજ વિભાગ લીઝોમાં ચાલતી ગેરરીતિ સામે ગંભીરતાથી પગલાં ભરે, નિયમોનો કડક અમલ કરાવે અને લીઝધારકોને સ્પષ્ટ સૂચનાઓ આપે તો ખેડૂતોને તેમજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાને મોટી રાહત મળી શકે એમ સ્થાનિકોની માંગ છે.

રિપોર્ટર: ઝહીર સૈયદ

Most Popular

To Top