Vadodara

જંત્રીના ચાર ગણા ભાવે પાલિકાની જમીન રેલવેને સોંપવા સ્થાયી સમિતિનો નિર્ણય

આજવા ડેમ નજીક બ્રોડગેજ લાઇન માટે 0.85 હેક્ટર જમીનનું વળતર અધિનિયમ-2013 મુજબ લેવાશે; 20 હજાર વૃક્ષો કાપવા માટે કમિશનરને સત્તા

વડોદરા શહેરની નજીક આવેલા આજવા ડેમ પાસેથી પસાર થતી જૂની નેરોગેજ લાઇનને મિયાગામ-ડભોઇ-સમીયાલા નવીન બ્રોડગેજ લાઇનના રૂપાંતરણ માટે અને આ લાઇનને વડોદરા મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં ‘ગિફ્ટ’ તરીકે સ્થાનાંતરિત કરવા માટેની મહત્વપૂર્ણ દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જોકે, આ મંજૂરી કેટલીક પૂર્વ શરતોને આધીન છે, જે શહેરીજનોના હિતોનું રક્ષણ કરે છે.
સ્થાયી સમિતિએ આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે નિર્ણય લેતી વખતે ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને પાલિકાના પરામર્શ બાદ જે સંયુક્ત ડિઝાઇન તૈયાર થાય, તેના પાલન પૂર્વે સ્થાયી સમિતિ અને સમગ્ર સાધારણ સભાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આ નિર્ણય પ્રોજેક્ટમાં પારદર્શિતા જાળવવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓની સંમતિ સુનિશ્ચિત કરવાનો આશય ધરાવે છે.
આ ઉપરાંત, આ પ્રોજેક્ટનો બીજો એક સંવેદનશીલ મુદ્દો આજવા સરોવરનો છે, જ્યાંથી વડોદરા શહેરની જનતાને પાણી પૂરું પાડતી મુખ્ય જળ લાઇન પસાર થાય છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં નવી લાઇન નાખવાની, રીપેરીંગ કરવાની કે અન્ય કોઈ પ્રકારની કામગીરી કરવાની થાય, તો તે સંદર્ભે પાલિકાને ત્વરિત પરવાનગી મળી રહે અને તેના ખર્ચ બાબતે પણ સમજૂતી કરાર માં સ્પષ્ટતા કરવામાં આવે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરના પાણી પુરવઠામાં કોઈ અવરોધ ન આવે.
રેલવે લાઇનના સ્થાનાંતરણની આ પ્રક્રિયામાં જમીનની અદલાબદલીનો મોટો મુદ્દો પણ સામેલ છે. નેરોગેજ લાઇન ધરાવતી 6.05 હેક્ટર વેસ્ટર્ન રેલવેની માલિકીની જમીનનો કબજો પાલિકાને સોંપવામાં આવશે. જ્યારે, પાલિકાની હદમાંથી પસાર થતી 6.85 હેક્ટર જમીનમાં બ્રોડગેજ લાઇન નાંખવાની મંજૂરી આપવામાં આવી છે. આ જમીનોના તફાવત વાળી 0.85 હેક્ટર જમીન વેસ્ટર્ન રેલવેને ‘NO COST’ પર આપવી કે સદર જમીનનું વેલ્યુએશન કરાવી અથવા સરકારના નવા કાયદા મુજબ યોગ્ય વળતર મેળવી, એટલે કે જમીન સંપાદનમાં પારદર્શકતા, પુનઃરોત્થાન અને પુનઃવસવાટ અંગેનો અધિનિયમ-2013ની જોગવાઇ મુજબ, સરકારની 2011ની જંત્રીના ચાર ગણા ભાવે વેસ્ટર્ન રેલવે પાસેથી વળતર લઈને સોંપવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બ્રોડગેજ લાઇનમાં આવતી અન્ય ખાનગી માલિકીની જમીનોનું સંપાદન માત્ર અને માત્ર વેસ્ટર્ન રેલવે દ્વારા જ કરવામાં આવે, તેમજ પાલિકાની જમીનમાં આવતી કમ્પાઉન્ડ વોલ દૂર કરવા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીનમાં આવતા આશરે 20 હજાર જેટલા વૃક્ષોને કાપવાની મંજુરી પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા મેળવી આપવા વગેરેની તમામ સત્તાઓ અંગે કમિટીની રચના કરવા અને તેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણને મંજૂર કરવામાં આવી છે. જોકે, આ કમિટીને પ્રસ્તુત કામોમાં નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષનો સમાવેશ કરવા અંગેનો અભિપ્રાય પણ સ્વીકારવામાં આવ્યો છે.

Most Popular

To Top