છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીને પગલે ગ્રામીણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હિટ સ્ટ્રોકના અનેક બનાવો બન્યા છે. બોડેલી, કવાટ, છોટાઉદેપુર, રંગપુર, ઝોઝ, પાનવડ, ભીખાપુરા સહિતના વિસ્તારમાં ભરાતા હાટ બજારોમાં પણ બપોરે લોકોની અવરજવરમાં સાવ નજીવી સંખ્યા નજરે પડી રહી છે. આજે 44 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સાથે મોસમનો સૌથી હોટેસ્ટ દિવસ જણાયો છે. ઓછા ભેજને કારણે સૂકી અને ગરમ હવા ધીમે ધીમે વહેતી હોઇ ગરમીનું પ્રમાણ વધારે અનુભવાય છે.
ઉનાળાના બપોરના 12:00 થી સાંજના પાંચ વાગ્યા સુધી બજારોમાં જનતા કર્ફ્યુની પરિસ્થિતિ સર્જાય છે. ગ્રામીણ રહીશોને આ ગરબી તોબા પોકારાવી રહી છે. બોડેલી છોટાઉદેપુર ખેતૃપાવી કવાટ નસવાડી સંખેડા જેવા ગીત વિસ્તારોમાં રહેતા લોકો એર કુલર એર કન્ડિશન નો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવી લે છે પરંતુ ગ્રામીણ પ્રજા અસહ્ય ગરમીથી બચવા બપોરના સમયે ઘરોમાં પુરાઈ રહે છે.
દુકાનો આગળ ખસની ટટ્ટી ટીંગાડેલી જણાઈ રહી છે. ગરમીથી બચવા તેના પર દુકાનદારો વારંવાર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. એ.સી. એર કુલર, પંખા ઉનાળાની સિઝનમાં તેની પીક ઉપર વપરાશમાં લેવાઇ રહ્યા છે.
આગ ઓકતા સૂરજદાદા માનવ શરીર પર અગન ઝાળ વરસાવી રહ્યા છે. ગરીબ શ્રમિકો બપોરના સમયે પણ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવાનું મુનાસિબ માને છે.પશુ, પંખીઓ પણ ગરમીથી બચવા હવાતીયા મારી રહ્યા છે. છોટાઉદેપુરમાં ખુલ્લામાં બનાવતા ચબૂતરાઓ ખૂબ ઓછા છે. પંખીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે સુધરાઈઓ દ્વારા જ્યાં જ્યાં ચબૂતરાઓ બનાવાયેલા છે તે માત્ર શોભાના ગાંઠિયા જ બની ગયા છે.
ભારે ગરમીને લીધે હીટ સન સ્ટ્રોકથી બચવા છોટાઉદેપુર જિલ્લાના નાગરિક વહીવટી તંત્રની ગાઇડલાઇન્સને અનુસરે
- ડો.ચકરેશ્વર ચોબીશા, C.D.H.O., જિલ્લા પંચાયત, છોટાઉદેપુર
બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગરમીની અસરે નાગરિક સ્વાસ્થ્ય બગડ્યાના કોઈ અહેવાલ નથી. જોકે નાગરિક સલામતી માટે ગરમીથી બચવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલી ગાઈડલાઇન્સને અનુસરવા જિલ્લા વાસીઓને અનુરોધ છે.