વઘાચ અને નસવાડી બેઠક બનશે ‘કિંગમેકર’, કોંગ્રેસ–ભાજપ વચ્ચે મરણિયો જંગ નિશ્ચિત
૩૨માંથી ફક્ત ૨ સામાન્ય બેઠકો હોવાથી પ્રમુખ પદ માટે નસવાડી તાલુકો બન્યો કેન્દ્રબિંદુ
નસવાડી:
રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ પદની અનામત જાહેર થતાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક સામાન્ય જ્ઞાતિ માટે ફાળવાતા હવે સમગ્ર રાજકીય સમીકરણ નસવાડી તાલુકાની બે બેઠકો પર આવીને અટક્યું છે. જિલ્લામાં કુલ ૩૨ બેઠકોમાંથી ફક્ત નસવાડી અને વઘાચ જિલ્લા પંચાયત બેઠકો જ સામાન્ય હોવાને કારણે આ બંને બેઠકો હવે નિર્ણાયક બની ગઈ છે.
છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમાં નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર અને કદવાલ એમ સાત તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૨૭ બેઠકો અનુસૂચિત આદિજાતિ, ૨ બક્ષીપંચ, ૧ અનુસૂચિત જાતિ અને ૨ સામાન્ય બેઠકો ફાળવવામાં આવી છે. પરિણામે પ્રમુખ પદ માટે માત્ર નસવાડી તાલુકાની બે બેઠકો જ મહત્વપૂર્ણ બની છે.
વઘાચ બેઠક પર છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસનો કબજો રહ્યો છે, જ્યારે નસવાડી બેઠક પર મતદારો દર પાંચ વર્ષે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બદલાવ કરતા આવ્યા છે. ગત ચૂંટણીમાં અહીં ભાજપનો ઉમેદવાર વિજેતા રહ્યો હતો. આથી આવનારી ચૂંટણીમાં બંને પક્ષો માટે આ બેઠકો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે અને અહીં મરણિયો જંગ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
તાલુકા પંચાયત પ્રમુખ પદની અનામત વિગતો
બોડેલી : બિન અનામત મહિલા સામાન્ય
સંખેડા : બિન અનામત સામાન્ય
છોટાઉદેપુર : અનુસૂચિત જાતિ પુરુષ
પાવીજેતપુર : અનુસૂચિત જાતિ મહિલા
કવાંટ : અનુસૂચિત જાતિ મહિલા
નસવાડી : અનુસૂચિત જાતિ સામાન્ય
કદવાલ : બક્ષીપંચ બેઠક
: આદિવાસી ઉમેદવારોની એન્ટ્રીથી સમીકરણ બદલાય તેવી શક્યતા
વઘાચ અને નસવાડી બંને બેઠકો આદિવાસી સમાજની વસ્તી ધરાવતા વિસ્તારો છે. જો રાજકીય પક્ષો સામાન્ય ઉમેદવારને ટિકિટ આપે અને સામે આદિવાસી સમાજના ઉમેદવારો મજબૂત રીતે મેદાનમાં ઉતરે તો બંને બેઠકો પર તેમના વિજેતા બનવાની શક્યતા ઉભી થઈ શકે છે. તેવી સ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો માટે નસવાડી તાલુકો ‘હોટ ફેવરિટ’ તરીકે ઉભરી આવ્યો છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ