ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત
બાજરી-જુવાર પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ બોનસની વધારાની સહાય
ઓનલાઇન નોંધણી ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી ફરજિયાત
જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની સીધી ખરીદી હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા દર મુજબ બાજરી રૂ. ૨૭૭૫ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) રૂ. ૩૭૪૯ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઈબ્રિડ) રૂ. ૩૬૯૯ પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈ રૂ. ૨૪૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને વધુ લાભ મળે તે માટે બાજરી અને જુવાર પર રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ ચૂકવાશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે પાક વેચવા ઇચ્છુક ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન થશે, જ્યારે ખરીદી પ્રક્રિયા તા. ૧ મે થી ૧૫ જુલાઈ ૨૦૨૬ સુધી ચાલશે. નોંધણી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.
નોંધણી માટે આધાર કાર્ડ, ગામ નમૂના ૭/૧૨ અને ૮-અ, પાક વાવણીની એન્ટ્રી ન હોય તો તલાટીનો દાખલો તેમજ બેંક ખાતાની વિગતો જરૂરી રહેશે. નોંધાયેલા ખેડૂતોને ખરીદી અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નં. ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી