હવામાન વિભાગની આગાહી સાચી, તેજ પવનથી જનજીવન પ્રભાવિત
દુકાનોના પાટિયા ઉડ્યા, મોડી રાત્રે વરસાદની શક્યતા
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતાં બોડેલી અને જબુગામ વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવેલા આ બદલાવને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
બોડેલી વિસ્તારમાં આકાશમાં અચાનક કાળાં વાદળો છવાઈ જતા તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પવન એટલો પ્રચંડ હતો કે રોડ પર આવેલી દુકાનોના પાટિયા હવામાં ફંગોળાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
જબુગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવનના ઝોકાથી વૃક્ષો જોરથી ડોલતા જોવા મળ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડતાં દૃશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી હતી.
ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ વાવાઝોડાના કારણે નુકસાન થવાની ભીતિ યથાવત છે. હવામાન વિભાગ મુજબ મોડી રાત્રે વરસાદ પડવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ