પ્રતિનિધિ બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના ખોસ ગામમાં 95 વર્ષની વય વૃદ્ધ મહિલા પર આદમખોર દીપડાએ હુમલો કરી મોત નિપજાવ્યું હતું. આખરે વન ખાતાએ આ દીપડો ઝબ્બે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 15ના રોજ એક વૃદ્ધ મહિલા જે ખેતરની બાજુમાં બેઠા હતા ત્યારે અંદાજિત 5:30 કલાકના અરસામાં આદમખોર દીપડો આવી તેમને કોતર તરફ ખેંચી ગયો હતો. હુમલામાં મહિલા કપૂરીબેન વેચતાભાઈ રાઠવાનું મોત નીપજ્યું હતું.
સમગ્ર બાબતની જાણ છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઇ રાઠવાને થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને દીપડાને પકડવા માટે રાત્રિ સમય દરમિયાન જ ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી હતી. તાત્કાલિક ધોરણે જે ઘટના બની તે ઘટના સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ભારી જહેમત બાદ રાત્રિના સમય દરમિયાન જ દીપડો પાંજરામાં આવી ગયો હતો અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાને કબજે લીધો હતો. કબજે લઈ અને છોટાઉદેપુર ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને તેના કેટલાક ટેસ્ટ માટેની કામગીરી કરી એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે.

સમગ્ર બનાવમાં વૃદ્ધ મહિલા જેમનું મોત નીપજ્યું છે જેઓનું અત્યારે પંચનામું કરી અને વિવિધ જરૂરી કાગળો ભેગા કરી અને પછી એમને વહેલી તકે સહાય મળે એ માટે ફોરેસ્ટ વિભાગ હાલ કામગીરી કરી રહ્યું છે
અહેવાલ: ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર