કાળઝાળ ગરમીથી શહેરીજનો સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ, બપોરે રસ્તાઓ સૂમસામ બન્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 04
શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ફરીથી સૂરજદાદાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મહત્તમ તાપમાન 40ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેના કારણે લોકો અને મૂંગા પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે બીજી તરફ વીજ માંગ પણ વધી છે.

તાજેતરમાં જ આઇ. એમ. ડી. દ્વારા એપ્રિલ થી આગામી જૂન મહિના દરમિયાન આકરી ગરમી સાથે હિટવેવની આગાહી વ્યક્ત કરી છે ત્યારે મધ્ય ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો વધ્યો છે.છેલ્લા પાંચ દિવસથી શહેરનું મહત્તમ તાપમાન 40ડિગ્રી તથા તેની આસપાસ પહોંચી ગયું છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 39.2ડિગ્રી, લઘુત્તમ તાપમાન 24.8ડિગ્રી સે. નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 10% જેટલું રહેવા પામ્યું હતું. ગત સોમવારથી ફરી એકવાર મહત્તમ તાપમાન 40ડિગ્રી તથા તેની આસપાસ પહોંચતા શહેરના રાજમાર્ગો બપોરે સુમસામ જોવા મળી રહ્યાં છે. બીજી તરફ ઉધ્યોગ અને રહેણાંક વિસ્તારમાં વીજ માંગ વધી છે.

આમ સીઝન કરતા ઉનાળાની ઋતુમાં દર વખતે વીજળીની માંગ ખૂટતી હોય છે. દર વખતની જેમ આ વખતે પણ જ્યારે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રાબેતા મુજબની વીજળીના વપરાશમાં 70% થી 80% વધુ વીજળીની માંગ ઉઠવા પામી છે.
શહેરમાં મંગળવારે વાદળછાયું વાતાવરણ સર્જાતાં શહેરીજનોને તડકાથી રાહત મળી હતી પરંતુ ભેજના પ્રમાણને કારણે લોકોને ઉચાટ તથા બફારાનો અનુભવ થયો હતો.હાલમા ફરી એકવાર સૂર્ય દેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જેના કારણે ઉતર ગુજરાત દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે સાથે જ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવા સાથે હિટવેવ ની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

