છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ફરી એકવાર મેઘમહેર શરુ થઇ, શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
તા.18 ઓગસ્ટ થી તા.27 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

(પ્રતિનિધિ) વડોદરા તા.17
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મેઘ વિરામ બાદ બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા તા. 18 ઓગસ્ટ થી આગામી તા.27 ઓગસ્ટ સુધી ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને પૂર્વ તથા મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મેઘ વિરામ જોવા મળ્યો હતો સાથે જ ગરમી અને ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત જોવા મળ્યા હતા ત્યારે ફરી એકવાર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે મેઘ મહેર જોવા મળી રહી છે. શુક્રવારે તથા શનિવારે દિવસ દરમિયાન તથા રાત્રે હળવો વરસાદ વડોદરામાં પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમીથી લોકોને આંશિક રાહત જણાઇ હતી. શહેરના વાતાવરણમાં રાત્રી દરમિયાન ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં રવિવારે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 72% જેટલું રહેવા પામ્યું હતું.
હાલમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સિસ્ટમ સર્જાતા આ લો પ્રેશર ડીપ્રેશનમા ફેરવાઇ જશે જેના કારણે દેશના પૂર્વ થી પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં ઓડિશા,મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને મુંબઇ સહિત વિસ્તારોમાં તા.18 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ ગુજરાતમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે તા.18 થી આગામી તા 27 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ તથા મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં તા.18 થી 20 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે. રાજ્યમાં વાવણી લાયક વરસાદ બાદ અચાનક મેઘ વિરામ ને કારણે ખેતી પર માઠી અસર થાય તેવી ચિંતા ખેડૂતોમાં પ્રસરી જવા પામી હતી. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તો મેઘ મહેર માટે મેહૂલિયો માંગવા તથા પૂજાપાઠ શરુ થઇ ગયા હતા ત્યારે હવે ફરી એકવાર ખેડૂતો માટે આનંદના સમાચાર જોવા મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર શરુ થઇ છે. વડોદરામાં મોસમનો કુલ વરસાદ અત્યાર સુધીમાં 23.11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારે વડોદરા જિલ્લામાં શિનોર તાલુકામાં 6મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
શહેરમાં જળાશયોની જળસપાટી સાંજે 7:30 સુધીમાં (ફૂટમાં)
આજવા ડેમ 210.80 ફૂટ
પ્રતાપપુરા ડેમ. 222.26 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી સાંજે 7:30 સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 7.16 ફૂટ
બહુચરાજી બ્રિજ 0.60 ફૂટ
કાલાઘોડા બ્રિજ 4.89 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 4.65 ફૂટ
મુજમહુડા બ્રિજ 4.68 ફૂટ
સમા-હરણી બ્રિજ 4.20 ફૂટ
વડસર બ્રિજ 2.13 ફૂટ