રાજ્યભરમાંથી મંગાવાયેલા જંત્રી વધારા માટેના વાંધા સૂચનો સહિતના તમામ સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રી પાસે પહોંચી ગયા...
રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા તબકકાવાર વાર્ષિક ધોરણે ૨૦-૨૫% નો વધારો અમલી બનાવાશે
આગામી થોડા માસમાં સર્વગ્રાહી વિચારણા કરવામાં આવશે
આશરે એક દશકા જેટલા લાંબા સમય બાદ મિલ્કતો ઉપર જંત્રી દર વધારવા માટે ચર્ચા વિચારણાઓ ચાલુ જ છે.મહેસુલ વિભાગે છેલ્લા દોઢ વર્ષથી કવાયત હાથ ધરી છે. છેલ્લે લેવાયેલા નિર્ણય મુજબ ૧ એપ્રિલ ૨૦૨૫થી નવા જંત્રી દર લાગુ કરવા માટેની તારીખ નિશ્ચિત જ હતી. ભૂતકાળમાં જે રીતે જંત્રી દરમાં એક જ સમયે ૧૦૦%નો વધારો કરાયા બાદ પ્રજામાં રીતસર ભડકો જ થયો હતો. લોકોના પ્રચંડ વિરોધ બાદ સરકારે તાત્કાલિક બેઠક બોલાવીને જંત્રી ના બમણા દર વધારા અંગે લોકો પાસે વાંધા સૂચનો માંગ્યા હતા તમામ જીલ્લા સ્તરે જંત્રી દર વધારા અંગે વ્યાપક કવાયત કર્યા બાદ એક સર્વગ્રાહી રિપોર્ટ મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચી ગયા છે. હાલ વિધાનસભા સત્રની કામગીરી ચાલુ છે.તેના પરિણામે ૧ એપ્રિલના બદલે નવા જંત્રી દર થોડા વિલંબથી લાગુ થઈ શકે છે. કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા જંત્રીદરમાં પણ તબક્કાવાર અમલ કરવા સરકારમા વિચારણા ચાલી રહી છે. સરકાર ૩ વર્ષમાં ૨૦-૨૫%ના દરે નવા જંત્રીદર લાગુ કરી શકે છે. મહારાષ્ટ્ર મા પણ જંત્રીદર વધારો તબક્કાવાર હોવાથી રીયલ એસ્ટેટથી લઈને ઘર ખરીદનારાઓને એક સાથે મોટો બોજો આવે નહી તે નિશ્ચિત કરાશે.
४०००० જેવા વેલ્યુઝોનના આધારે આ જંત્રી ગુજરાત રાજ્યમાં અમલમાં મુકાશે.અનેક એરિયામાં જંત્રીદરમાં ૧૦૦% કે તેથી વધુ વધારો થતો હતો તે પણ સરકારે હવે એક સાથે નહી પણ તબક્કાવાર લાગુ કરવા માટે વિનંતી કરી છે અને ૨૦૧૧માં જંત્રીદર વધાર્યા બાદ છેક ૨૦૨૩માં સરકારે નવા દર જાહેર કર્યા હતા અને તે અત્યંત ઉંચા નિર્ધારિત થતા જ રાજકીય સહિતના અનેક કારણોથી તાત્કાલિક ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજયમાં હાલના સમયમાં એફોર્ડેબલ હાઉસીંગ તો લગભગ જોવા પણ મળતું નથી.અને જંત્રીદર વધારાથી જમીન મોંઘી થતા સસ્તી મિલ્કતો ભૂતકાળ જ બની શકે.હાલમાં રીયલ એસ્ટેટ માં આમ પણ મંદી જ ચાલી રહી છે આવા કપરા સમયમાં તેને આ ફટકો પડે તેવી ધારણા છે. જો રીયલ એસ્ટેટ માં જમીનના ભાવ આસમાને પહોંચે તો સરકાર જ ભડકો કરીને વધુ આગ લગાડે તેવી પરીસ્થિતિ સર્જાય.તેથી જ આગામી થોડા દિવસમાં આ અંગે નિર્ણય લેવાશે. સરકારની સ્ટેમ્પ ડયુટી આવક જે ૨૦૨૪/૨૫માં રૂા.૧૬૫૦૦ કરોડની થઈ હતી તે હવે ૨૦૨૫/૨૬માં રૂા. રૂા.૧૯૮૦૦ કરોડનો અંદાજ મુકાયો છે. એક અંદાજ એવો હતો કે જંત્રીદર વધારાની અસરને ઓછી કરવા સરકાર સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન દર ઘટાડશે પણ બજેટમાં તેવું કંઈ થયું નથી તે પણ વાસ્તવિકતા છે.
