રે ખીણ પ્રદેશ, પથરાયેલા પહાડો વચ્ચેના સ્થળોએ આપણે બૂમ પાડીએ તો પડઘો પડે. કમનસીબે લદ્દાખ, જે ભારતનો અત્યંત રમણીય પ્રદેશ છે અને ત્યાંની સફર કરનારાઓને સ્વર્ગ સમો અનુભવ થાય છે પણ ત્યાંના વિસ્તારોમાં વસતા લોકોની બૂમોના કોઇ પડઘા નથી પડી રહ્યા. કેન્દ્ર સરકારે પોતે લદ્દાખને જે વાયદા કર્યા હતા એની હાલત ટોચ પરથી ખીણમાં બગડી ગયેલા નાનકડા કાંકરાઓ જેવી છે અને લોકશાહી પણ એ કાંકરાઓ સાથે સાવ તળિયે ધસી ગઇ છે.
2019માં જમ્મુ-કાશ્મીર પરથી 370ની કલમ ખસેડી લઇને આ રાજ્યોનો વિશેષ દરજ્જો દૂર કરાયો હતો. આ સાથે લદ્દાખ પણ જમ્મુ-કાશ્મીરથી અલગ થયું અને વિધાનસભાના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો તેને મળ્યો જે તેના પહેલાંના સ્તરથી નીચલું સ્તર છે. જમ્મુ-કાશ્મીર માટે ખેલાયેલા રાજકારણમાં લદ્દાખ રાજકીય અને આર્થિક અસ્થિરતાનો ભોગ બન્યું છે. પહેલાં લદ્દાખ જમ્મુ-કાશ્મીરનો ભાગ હતો, 370ના હટી જવાથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા તો ખરા પણ એમાં પણ ભેદભાવ રહ્યા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે તો લદ્દાખમાં નથી. લોકસભામાં લદ્દાખનું પ્રતિનિધત્વ કરવા માટે ગણીને એક માણસ છે અને આપણી લોકસભામાં કેટલી લોકશાહી છે એ તો આપણે બધા બહુ સારી પેઠે જાણીએ છીએ. લદ્દાખની ચાર મુખ્ય માંગણીમાં એક છે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાનો, છઠ્ઠી સૂચિ હેઠળ બંધારણીય સુરક્ષાની માંગ, પબ્લિક સર્વિસ કમિશનની રચના અને સ્થાનિક યુવકો માટે કમિશન અને નોકરીની અનામત તથા છેલ્લે લેહ અને કારગીલ માટે બે અલગ સંસદીય મતવિસ્તારોની રચના. જો લદ્દાખને છઠ્ઠી સૂચિ હેઠળ લેવામાં આવે તો બંધારણમાં તેને જમીન, જંગલો, પાણી અને ખીણને લગતી પ્રવૃત્તિઓમાં સ્વાયત્તતા મળી શકે. આમ થાય તો તેઓ પોતાની આર્થિક સ્થિરતા, કુદરતી ઓળખ અને રોજગારી વગેરેને પોતાની રીતે સાચવી શકે. કેન્દ્ર સરકાર દૂર બેઠા લદ્દાખનું શાસન સાચવવા જશે તો અંધાધુંધી અને દટાઇ જતી લોકશાહી સિવાય કંઇ હાથમાં નહીં આવે.
લદ્દાખમાં લોકશાહીની સ્થિતિ બરાબર એવી જ છે જેવી ઊંચાઇ પર જતા હવાની થઇ જતી હોય છે – એટલે કે તદ્દન પાતળી અને પાંખી. સોનમ વાંગચુક જે શિક્ષણ સુધારક અને ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતા વૈજ્ઞાનિક છે અને તેમના વિશે મોટાભાગના લોકો એટલે જાણે છે કે તેમના આધારે રાજકુમાર હિરાણીની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં આમિર ખાનનું ફુંગ્શુક વાંગડુ નામનું પાત્ર રચાયું હતું. તે સોનમ વાંગુક પણ લદ્દાખના મામલે ઉપવાસ પર ઉતર્યા હતા. લદ્દાખમાં થઇ રહેલા વિરોધ દેખવોમાં સોનમ વાંગચુકે એક જ વાત કરી હતી કે 2019માં BJP સરકારે પોતાના મેનિફેસ્ટોમાં જે પણ વાયદા કર્યા હતા, જે ઘોષણાઓ કરી હતી કે લદ્દાખને બંધારણીય સુરક્ષા મળશે અને તેને છઠ્ઠી સૂચિ એટલે કે સિક્સ્થ શેડ્યુલમાં ઉમેરવામાં આવશે એવું તો કંઇ જ કરવામાં આવ્યું નથી. લદ્દાખના આદિવાસી પ્રદેશના દરજ્જાની માંગની પણ વાત ચાલી છે. કાન ફાડી નાખે એવું કેન્દ્ર સરકારનું મૌન એટલું સજ્જડ છે કે ખીણ પ્રદેશનો સુનકાર પણ તેની સામે વામણો લાગે.
લદ્દાખના પ્રશ્નને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. ઉત્તરીય સરહદ પરનું લદ્દાખ ચીન અને પાકિસ્તાનની સરહદની નજીક હોવાને કારણે બહુ જ હેરાન થયું છે. તેમાંય ખાસ કરીને 370ની કલમ ખસેડી લેવાઇ હોવા છતાં ચીન તો આ આખી બાબતને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવીને લદ્દાખની સરહદમાં વધુ અંદર સુધી ધસી આવ્યો. 2020માં ગલવાન ખીણમાં જે સંઘર્ષ થયો હતો એ પછી એ લદ્દાખના ઘણા પેટ્રોલિંગ પોઇન્ટ ભારતીય સેના અને સરહદી રહેવાસીઓ માટે ‘નો-ગો’ ઝોનમાં ફેરવાઇ ગયા છે. ચીનના સૈનિકો લદ્દાખી પશુપાલકોને પ્રાણીઓના ચરવાની જમીન – ગોચરમાંથી પાછળ ધકેલી રહ્યા છે, લદ્દાખીઓને ડર છે કે કાલે ઉઠીને આ સૈનિકો તેમને પોતાના જ ઘરમાંથી તગેડી મુકશે. આ ચીનની ઘુસણખોરી અને પાકિસ્તાનની આડોડાઇથી કેન્દ્ર સરકાર જરાય અપરિચિત નથી તો પછી આ નફ્ફટાઇભરી અવગણનાનો શું અર્થ?
ભારતીય સંઘમાંથી વગર લેવેદેવે લદ્દાખ હાંસિયામાં ધકેલાઇ ગયો છે. બંધારણ વગરની યુનિયન ટેરીટરી બની ગયેલા આ પ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાયેલી સરકાર વિના ગૃહમંત્રાલયને ભરોસે વહીવટ ચાલે છે. અરાજકતાને પગલે કેન્દ્ર સરકાર સામેનો રોષ લદ્દાખીઓમાં ટોચે પહોંચ્યો છે. લદ્દાખની ભૌગોલિક સ્થિતિને કારણે આ પ્રદેશ પાંચ મહિના સુધી તો બાકીના વિશ્વથી અલગ જ હોય છે. હિમવર્ષા અને કડકડતી ઠંડીને કારણકે લદ્દાખ જાણે અમુક મહિનાઓમાં બંધ જેવું જ પાળે છે. ત્યાં પર્યાવરણને લગતા પડકારો પણ મોટા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સરકારી માળખું ન હોય ત્યારે કેન્દ્ર સરકાર સ્વચ્છંદી રીતે પ્રદેશને પોતાના સ્વાર્થ માટે મનફાવે તેમ ઉપયોગમાં લે એવો ડર ચોક્કસ પેદા થાય.
જેમ કે પ્રદેશનું લશ્કરીકરણ, સૈન્ય માટે જમીન હસ્તગત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર લઇ જ શકે છે. વળી પર્યાવરણમાં આવતા ફેરફારોને પગલે ત્યાં પાણીની તંગી ખડી થઇ છે. આવામાં ઔદ્યોગિક તથા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જો અહીં લૉન્ચ કરી દેવાશે તો જેમ જોશીમઠ વગેરેમાં જમીન ધસી પડી છે અને આખે આખા વિસ્તારો દટાઇ ગયા છે એવી ઘટના અહીં થાય એ માટે બહુ લાંબી રાહ નહીં જોવી પડે. આમ થયું તો પછી લદ્દાખ જઇને રીલ બનાવવાના સપનાં તો ભૂલી જવા પડશે અને એને માટે વાંક કાઢવો પડશે કેન્દ્ર સરકારનો.
લદ્દાખની હાલત ધોબીના કૂતરાં જેવી થઇ ગઇ છે, ઘરમાં પણ સલામતી નથી અને સરહદે ચીની લશ્કર સતત નહોર બતાવે છે. ચીનના લશ્કરી હુમલાની ધમકીઓ અને કેન્દ્ર સરકારની નીતિઓને કારણે ફેલાયલા અસંતોષ સામે લડવા માટે લદ્દાખીઓ પર્યાવરણની સુરક્ષા, જમીન પર સ્વાયત્તતા અને લદ્દાખ માટે રાજ્યના દરજ્જાની માંગ કરે એમાં કોઇ ખોટી જક નથી બલ્કે પોતાની ઓળખ, પોતાના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવની જાળવણી અને પોતાને માટેની આર્થિક સામાજિક સુરક્ષા પોતાના હાથમાં રહે તેની ચોકસાઇની ચાહ છે.
કેન્દ્ર સરકારની કામગીરી વહીવટી ઓછી અને રાજકીય વધારે છે. જે રીતે જમ્મુ-કાશ્મીરને હિંદુ ધર્મની ધરોહર તરીકે જોવામાં આવે છે તેનાથી સાવ અલગ લદ્દાખને તો લામાઓ અને ગોમ્પાઓનો પ્રદેશ ગણાય છે. લદ્દાખમાં મુસલમાનો બૌદ્ધો કરતાં ઘણી વધારે સંખ્યામાં છે એ ભૂલવા જેવી બાબત નથી. લદ્દાખની સમસ્યાઓમાં કોમવાદી અને ધર્મવાદી સંઘર્ષ નથી એટલે પ્રદેશને એ જ રીતે નાણવામાં આવે છે.
પાકિસ્તાન અને ચીન સાથેના સરહદી સંઘર્ષની ચિંતા બીજા બધા જ મુદ્દાઓ કરતા મોટી છે. લદ્દાખ પોતાને માટે બંધારણિય સલામતી અને સંસદમાં પ્રતિનિધિત્વ માગે છે. તકલીફ એ છે કે કેન્દ્ર સરકારનો અભિગમ એવો છે કે અમે આપીએ એ લઇ લો, તમને શું જોઇએ છે એ જાણવાની તસ્દી અમે નથી લેવાના કારણકે અમે તો સરકાર છીએ એટલે જે કરીશું એ બરાબર જ કરીશું.
છીનવાઇ ગયેલી સ્વાયત્તતા અને સરકારમાં પાંખા પ્રતિનિધિત્વની ખીણમાં
By
Posted on