અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ, અન્ય વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમા અટવાયા
છાણી સહિતની પોલીસની ટીમોએ દોડી આવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો
પોલીસે મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા
વડોદરા, તા. 6
છાણીના GSFC બ્રિજ પાસે હાઇવે પર ઓવર સ્પીડ ટેન્કરે રીક્ષા અને આઇચરને ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો. ઘટનામાં રીક્ષામાં સવાર બે લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિકોએ રોડ કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
વડોદરા શહેર નજીક છાણી વિસ્તારમાં આવેલ GSFC બ્રિજ પાસે હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. શહેર પાસે પસાર થતાં હાઇવે પર વારંવાર થતા અકસ્માતોની વચ્ચે આ બનાવે ફરી એકવાર સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઊભા કર્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક ટેન્કર ચાલક ઓવર સ્પીડમાં હાઇવે પર વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે પહેલા આગળ જઈ રહેલી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષા એકબાજુ ફંગોળાઈ ગઈ હતી. ત્યારબાદ બેકાબૂ બનેલું ટેન્કર આગળ ચાલી રહેલા આઇચર ટ્રક સાથે પણ ધડાકાભેર અથડાયું હતું.
આ ગંભીર અકસ્માતમાં રીક્ષામાં સવાર બે નિર્દોષ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે બંનેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ ઘટનાએ આસપાસના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ઉપરાંત, અકસ્માતમાં અન્ય 3 લોકોને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી જતાં અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને સુચારૂ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પોલીસે બંને મૃતદેહોને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. છાણી પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રોડ કામગીરી બની અકસ્માતનું કારણ?
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇવે પર ચાલી રહેલી રોડની કામગીરીને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. યોગ્ય સૂચના બોર્ડ, લાઈટિંગ અને ડાયવર્ઝનની અછતના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે.
આ બનાવ બાદ સ્થાનિકોએ પાલિકા તંત્ર અને રોડ કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.