Vadodara

છાણી સ્મશાનગૃહથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સુધીના મુદ્દે સામાન્ય સભા ગાજી




વડોદરા મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં શહેરના વિકાસથી લઈને દાતાઓની મર્યાદા સુધીના વિવિધ મુદ્દાઓ પર તીવ્ર ચર્ચા થઈ હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને શહેરમાં પ્રતિમા લગાવવાના મુદ્દાઓને લઈને પણ પક્ષ વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થઈ હતી. સાથે જ શહેરમાં પ્રાચીન ઇમારતોના જતન માટે અલગ ગ્રાન્ટ ફાળવવા મુદ્દે પણ સત્તા પક્ષના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

છાણી વિસ્તારમાં ગેસ ચિતાની રજૂઆત

છાણી વિસ્તારના દાતા દ્વારા દાન આપવામાં આવેલી ગેસ ચિતા વિશે કાઉન્સિલર હરીશ પટેલે તીવ્ર વાંધો ઉઠાવ્યો હતો. હરીશ પટેલે જણાવ્યું કે, દાતાએ છાણી વિસ્તારમાં ગેસ ચિતા આપવાનું નક્કી કર્યું છે, તો કોર્પોરેશનની સ્થાયી સમિતિએ નિઝામપુરા માટે એ ગેસ ચિતા ફાળવવાનો નિર્ણય કેમ કર્યો ? દાતાના ઇરાદાઓ અને લોકહિતને ન સમજવાની આ પ્રવૃત્તિને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. હરીશ પટેલે જોર આપ્યું કે, દાનદાતા માટે આ છાણી વિસ્તાર વિશેષ છે, દાતાની ઈચ્છા એવી છે કે ગેસ ચિતા છાણી વિસ્તારમાં જ લાગે.
દાતાને કોઈ ફર્ક નથી પડતો કે છાણી વિસ્તારમાં કેટલી ગેસ ચિતા છે. તેમણે ફક્ત છાણી વિસ્તારમાં જ દાન કરવું છે.

અશ્વ પ્રતિમા પર વાદવિવાદ

છાણી વિસ્તારની બાજવા ચોકડી પર મૂકવામાં આવેલી અશ્વની પ્રતિમા અંગે કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ અને હરીશ પટેલે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બ્લેક સ્પોટ હોવા છતાં પ્રતિમા મૂકવાનું કામ રાજકીય દબાણ હેઠળ પૂર્ણ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. કોર્પોરેટરોના મતે, આ સ્થાને અકસ્માત થવા અને અકસ્માતમાં મૃત્યુ માટે જવાબદારી કોની હશે તે પ્રશ્નો હજુ ઉલઝાયેલા છે.

સત્તાપક્ષના કોર્પોરેટર મનીષ પગારેએ પણ આ મુદ્દે પોતાની પાર્ટીના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. મનીષ પાગરે છત્રપતિ શિવાજીની અશ્વ પર આરૂઢ પ્રતિમા માટે સ્વયં ખર્ચે અનુમતિ માગી હતી. તેમણે કહ્યું કે, “હિન્દુત્વ માટે તમને પ્રેરણા મળે તો અમને શિવજીની પ્રતિમા માટે પરમિશન આપજો.”

વિશ્વામિત્રી પ્રોજેક્ટની રાજકીય ઘમાસાણ

વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને લઈને સભામાં તીવ્ર ચર્ચાઓ થઈ હતી. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે કહ્યું, જે વિસ્તારો સરકાર દ્વારા રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં હાલ બંગલા અને બિલ્ડિંગો બંધાઈ ગઈ છે. વિશ્વામિત્રી નદી પર જે દબાણો છે તે આ પ્રોજેક્ટમાં દૂર કરવાના છે કે કેમ તેવા સવાલ તેમને કર્યા હતા.

ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કોર્પોરેટર કેયૂર રોકડીયા પણ સભામાં હાજર હતા. તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટને આવકાર્યો હતો. સાથે જ તેમણે રજૂઆત કરતા કહ્યું, તમામ સભાસદોને આ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન બતાવવામાં આવે જેથી તમામ સભાસદ પ્રોજેક્ટને સમજી શકે અને તેમના સૂચનો પણ કરી શકે. કોર્પોરેટર મનીષ પગારેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, જ્યારે હું મેયર હતો ત્યારે જ મે આજ સભામાં આપને છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે મંજૂરી અલી હતી. તેમ છતાં કોઈ બાબતને લઈને આ અટક્યું હોય તો હું આજે અહી ફરી રજૂઆત કરું છું કે, આપને આગામી સમયમાં પરમિશન મળી જાય. ઉલ્લેખનીય છે કે બીજેપી પાર્ટી એક પદ પર એક નેતાના નિયમને મુખ્યત્વે અનુસરતી હોય છે પણ ધારાસભ્ય કેયૂર રોકડીયાને હજુ પણ કોર્પોરેશનનો મોહ છૂટતો ના હોય તેવું લાગી રહ્યું છે.

બોટકાંડ અને ન્યાયની માંગ

હરણી બોટકાંડને એક વર્ષ પૂરૂં થવા છતાં પીડિત પરિવારોને ન્યાય મળતો નથી તે મુદ્દે પણ સભામાં વલોણી થઈ હતી. 12 બાળકો અને 2 શિક્ષકોના નિધન અને માનવ સર્જિત પૂરમાં થયેલા નુકસાનને કારણે વિપક્ષે સરકારના પ્રતિસાદને ઘેરા પ્રશ્ન કરી આક્ષેપ કર્યો. આજની સભામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો જોરશોરથી ગુંજ્યો હતો. સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોષીએ વધુ એક વાર આ મુદ્દે સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું, હરણી બોટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છતાં મૃતકના પરિવારોને હજુસુધી ન્યાય નથી મળ્યો. દોશી ઠરેલા પાલિકાના અધિકારીના પેન્શનમાંથી માસિક 5000 કાપવાની સજા કેટલા અંશે વ્યાજબી છે ? આશિષ જોષીએ ક્રોધ મર્યા સ્વરમાં કહ્યું કે આ મામલે હું પોતે પોલીસ ફરિયાદ કરીશ. કમિશનરને પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર કરવા માંગ કરીશ.

વિકાસના કામો અને પ્રાચીન ઈમારતોના જતન માટે આહવાન

બીજેપીના કોર્પોરેટર હેમિશા ઠક્કરે શહેરના પ્રાચીન ઈમારતોના જતન પર ભાર મૂક્યો હતો. તેઓએ વિધિવત માળખું બનાવી શહેરને હેરિટેજ સિટી તરીકે આગળ ધપાવવા માટે વિશેષ ગ્રાન્ટની માંગણી કરી હતી. સાથે જ તેમને જણાવ્યું કે પ્રાચીન અને આધુનિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.

Most Popular

To Top